રવિવાર, 22 એપ્રિલ, 2012

વાહ ! ઝાડવું એક અને થડિયાં અનેક !


     માત્ર ચૂલો, કડાઇ,તાવેથો અને તાપની ગોઠવણ કર્યે  શીરો બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો  કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .
     મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે - ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું  સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડિખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !
  દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા  ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય એ ચૂસનારા મૂળિયાં જ જો  માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?  
        ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .
        એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ?  યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા ! થડિયાની આસપાસ પાર વિનાની એની વડવાઇઓ જોવા મળશે.       
 આ વડવાઇઓ શું છે ?  વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ  અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા-પારખવું અઘરું થઇ પડતું હોય છે.
  ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને કલમ ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.
 રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠાપર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા એમનેએમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.
 આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને  વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.
 શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય  બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે. તમે પણ પ્રયોગ કરી જોજો અને પરિણામ કેવું મળે છે તેની અન્યને જાણ કરશો ! સુખ તો વહેંચવાથી જ વધે ને !
                                                        

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો