રવિવાર, 22 એપ્રિલ, 2012

“આંકડો”


       જે દિ આજની સ્ટોપેક અને એનાસીન જેવી પૈસા પડાવી લેનારી માથાનો દુ:ખાવો મટાડનારી [કે ઊભો કરનારી] દવાઓ નહોતી કે તાવને ટાઢો પાડવાની મેટાસીન અને નોવેલ્જીન જેવી દવાઓ બજારમાં નહોતી ત્યારે માથું દુ:ખે કે તાવ આવે-બેય દુ:ખની એકજ દવા આંકડાનાં પાન ગણાતી. મળે ત્યાં સુધી પાકા-પીળા અને એવા ન હોય તો લીલા ચાર-પાંચ પાંદ લઇ,તાપમાં નવશેકા વરાળિયા કરી, માથે અને કપાળે આખેઆખામૂકી, ઉપર કપડું વિંટાળી સૂઇ જવાનું. અરે ! ઘડીક ઉંઘી જ જવાનું મારાવાલા ! પછી જોઇલ્યો એનો ચમત્કાર ! જાગીએ એટલે થઇ ગયા હોઇએ પરસેવે રેબઝેબ ! તાવ અને માથાનો દુ:ખાવો બન્ને થઇ ગયા હોય ગાયબ ! આંકડા તો એવું કામ કરતા.પણ સમજણે સમજણે ફેર છેને ભાઇ ! આજના જુવાનિયા શેઢે-પાળે સારા ખડના ભોથાં-થુંબડાએ ખોદી-સળગાવી મારે ત્યાં આંકડા તો શેના રહેવા દે ખરું ને !
કાંટો ખેંચી દેખાડે = આપણા ખેતીના ધંધામાં વાડ અને શેઢાના ઝાળાં-ઝાંખરા સાથે અવાર-નવાર પનારો પડતો હોય છે. અને આ ઠેકાણે કાંટા સિવાય તો બીજું શું હોય કહો ! તેની વચ્ચે કામ કરતી વખતે પગમાં પગરખાં પહેર્યાં હોય તે છતાં વિસરચૂકથી પગમાં કાંટો વાગી જઇ અંદરને અંદર ભાંગી જાય તો ? આવા ટાણે કાંટો જ્યાં ભાંગીગયો હોય ત્યાં સોય કે પીનથી ચામડી ખુલ્લીકરી આંકડાના કૂણા માથાંનું કે પાનના દીંટિયાનું દૂધ ભરી દેવામાં આવે તો તમકારા થશે ઘડીક, પણ સવાર થતાં ચામડી પોચી પડી જઇ, કાંટો છૂટો પડી જશે, અને અંદરની બાજુથી થોડુક દબાણ આપ્યેથી અંદર ભાંગી ગયેલ કાંટો હળવેથી બહાર આવી જશે.આંકડાના દૂધનો કાંટા પરનો પ્રભાવ તો જૂઓ ! મારા એકનો નહીં, બહુ બધા લોકોનો વરસોનોજૂનો આ અનુભવ છે.જુવાનિયાઓ ! કાંટો પગમાં ભાંગી જાય તો આ નુસ્ખો અજમાવી જોજો ! તો આંકડાને કાપતા તમારો હાથ જરૂર થોથવાશે.
ઔષધિય અનેક ઉપયોગ = આયુર્વેદની દ્રષ્ટિએ વ્યવશિત અભ્યાસ કરવામાં આવે તો કેટલાય દર્દોમાં આંકડાની ઉપયોગિતા જણાઇ આવશે. કોઢ, ખરજવું, ધાધર, પાઇલ્સ, પથરી, કૃમિ,ખાંસી,શ્વાસ.સળેખમ,દાંતનો દુ:ખાવો,કમળો,ઘુંટણના સોજા,કાનનો દુ:ખાવો વગેરે કેટલાય માનવ દર્દોમાં તેના દ્વારા રાહત મેળવાતી હોય છે.કોઇ દર્દમાં પાન ઉપયોગી બને છે, કોઇમાં તેનું દૂધ તો કેટલાકમાં તેનાં મૂળિયાં,એની છાલ અને અંગ-ઉપાંગોનો ધુંવાડો કે સળગાવ્યા પછીની રાખ ! પણ એક ચેતવણી કે આંકડો ગણાય છે ઉપવિષ એટલે જેટલી જાણકારી હોય તેટલામાં ઉપયોગ કરવો. નહીતો નવતર પ્રયોગ કરતા પહેલાં જાણકાર વૈદની સલાહ લેવી. આડ અસરતો કરીન પાળીએ તો જો લાડવાનીયે થઇ શકતી હોય તો આંકડાની તો થાય જ !
ઓળખ અને વર્ધન = આંકડા હોય બે જાતના. દેખાવ,ઉંચાઇમાં બધીરીતે લાગે સમાન પણ એકને ધોળા ફૂલ ઉઘડે જ્યારે બીજાને આછા ફાલસારંગી. ઉંચાઇ 5-7 ફૂટ જેટલી થાય, પણ મોટાભાગે એકથડ પર નહીં, નીચેથી જ ઘણીબધી ડાળીઓ નીકળે.એના પાંદ વડના પાંદ જેવામોટાં અને એનાથી ઘણા દળવાળા.પાન પર હોય ઝીણી ઝીણી રૂંવાટી.અને પાંદ સહિત તમામ કુમળા ભાગોની સપાટી પર હોય સફેદ રંગના પાવડરનું આછું આવરણ ! જે સૂરજનાતડકાને અડક્યાભેળો પાડે છે પાછો ! અંદરના પાણીને બાષ્પીભવન દ્વારા ઉપાડી જવા દે તે બીજા ! આંકડાના રોપાને ઉછેરવા પાણી પાવું પડ્યું હોય તેવું સાંભળ્યું છે ક્યાંય ? છતા આંકડો કરમાય ગયેલો ક્યારેય નહીં ભળાય. વળી એને અમૂક જમીન ફાવે કે અમૂક ન ફાવે એવુંએ નથી. છતાં એને રોપવો પડ્યો હોય એવુંએ સાંભળ્યું છે ક્યારેય?
      પરમ કૃપાળુ કુદરતે આવી ઉપયોગી વનસ્પતિ આપણી બેદરકારીથી નષ્ટ ન થઇ જાય તે માટે એના બીજનું વિસ્તરણ આપોઆપ થઇ શકે તેવી રચના કરી છે. આંકડાના ફળોને ધ્યાનથી નિરખજો ! જાણે લીલા રંગની કાચીકેરી ! એ પાકે ત્યારે અંદરથી રસ કે ગોટલો નહીં,રૂ જેવા રેશમી રેસા અને સાથે ચોટેલા હળવા એવા બીયાં નીકળે. આંકોલિયાં [ફળો] પાક્યા પછી આપમેળે ખુલી જાય અને પવન આવતા અંદરથી રેસાવાળી હવાઇ છત્રીઓ સાથે બીયાં નીકળી પડે છે દુનિયાની સફરે ! જ્યાં ઉતરાણ થાય ત્યાં નાખે ધામા ! જો ખાસ કોઇ વતાવે નહીં તો વરસાદી પાણી પીને આપોઆપ ઉગી નીકળે ! એકવાર આંકડો ઉછરી ગયો ? ઝડામૂળમાંથી કાઢવો મૂશ્કેલ ! કાપી લઇએ એમ બમણા-ત્રમણા જોરથી નીકળે ! એની કૂણી ફૂટ્ય અને પાંદા બકરાં માટે જાણે ગોળનાગાડાં જડી ગયાં !
ખેતી ક્ષેત્રે ઉપયોગિતા =   હવે જ્યારે આ ઝેરીલા પેસ્ટીસાઇડ્ઝ અને રાસાયણિક ખાતરો બંધ કરી ખેડૂતો સજીવખેતી તરફ વળતા જાય છે ત્યારે પોષણ અને સંરક્ષણ બન્ને મુદ્દે આંકડો ખેડૂતની ભેર કરનારો સાબિત થયો છે. જૂઓને, આંકડામાં પોટાશ હોય ભરપૂર, તેના પાન અને ડાળી-ડાંખળાં કાપી,ટુકડા કરી, સેડવીને બનાવેલું ખાતર જમીનમાં પોટાશના ઉમેરણ ઉપરાંત તેની ખારાશ તોડવાનું કામ કરી, જમીનને લૂણો લાગતો બંધ કરે છે.અરે ! ડાંગરને તો આ ખાતર બહુ ભાવે છે.
       ડૉ. અશોક શાહના કહેવા અનુસાર આંકડાની પાન-ફૂલ સહિત ભારીઓ બનાવી, થોડા થોડા અંતરે ધોરિયામાં સુવરાવી, તેનાપરથી પિયતનું પાણી પસાર કરવામાં આવે તો મૂળજન્ય રોગોમાંથી પાકને બચાવી, જમીનનો ક્ષાર ભગાવે છે.અને પાંદડાં-ડાંખળાં ધીમે ધીમે સડીને સેંદ્રિય ખાતર બની જાય છે. ઉધઇનો ત્રાસ કાળી અને ભારે ચીકણી જમીનમાં ઓછો હોય પણ ગોરાડુ અને રેતાળ જમીનમાં તો કેટલીક વખત ઉધઇનો ઉપાડો ખેડૂતોને હાથજીભ કઢાવી દેતો હોય છે. જોકે સજીવખેતી કરનારાઓમાં ઉધઇ વિષે બે મત છે. કોઇ ઉધઇને અળસિયાની જેમ ઉપયોગી ગણે છે દા.ત. ઉમરગામમાં ભાસ્કરભાઇ સાવેની વાડીમાં ઉધઇને નિરૂપદ્રવી જીવાત ગણે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉધઇથી ત્રાસી ગયા છે. વિજ્ઞાનિકોએ આ બાબત હજુ કોઇ નક્કર તારણ આપ્યું નથી. પ્રો.અનિલ ગુપ્તાના આંકડો ઉધઇનો પાક્કો દુશ્મન લખાણમાં જણાવાયું છે કે ઉધઇના ત્રાસમાંથી બચવા ખેડૂતો અવનવા અખતરા કરતા રહેતા હોય છે.અને તેમાં તેઓ ઠીક ઠીક અંશે સફળ પણ થતા હોય છે.દા. ત. આંકડાના પાન-ડાંડલાને થોડા દિવસ બંધ માટલામાં સેડવ્યા પછી તેના દ્રાવણથી બીજને પટ આપવા, કે એવા દ્રાવણનો છોડના મૂળ વિસ્તારમાં છંટકાવ કરવો-તેવી ભલામણ કરે છે. કેટલાક આંકડા અને થોરના મિશ્રણથી તો કેટલાક તમાકુડસ્ટ, લીંબોળીખોળ અને આંકડાના પાણીનું મિશ્રણ કરી છોડના મૂળ પાસે રેડીને ફાયદો મેળવે છે. ઉધઇને ભગાડવા માટે આંકડો બહુ ઉપયોગી જણાયો છે.
       સામાન્ય રીતે રસોઇમાં ઇંધણ તરીકે આંકડાને કોઇ બાળેનહીં.-હનુમાનજીને પ્યારો રહ્યોને ! એ જ આંકડાનું લાકડું પાછું યજ્ઞ માટે સમિધ ગણાયું ! ખીજડાની જેમ હવન માટે તેને શોધવા નીકળવું પડે કહો !
 મેલેરિયા ઝેરી- આંકડો એનો વેરી = પરિસર-જાન્યુ,-2005ના અંકમાં એક વિશિષ્ટ નોંધ વાંચેલી કે જૂના ગ્રંથો અને આયુર્વેદનું કહેવું છે કે આંકડાની એકાદ ફૂટ લાંબી,કૂણી-બેત્રણ પાંદાવાળી ડાળી તોડી, ગાયના 250 ગ્રામ ઉકળતા દૂધને કૂણા પાંદવાળા ભાગથી હલાવતારહેવાથી, દૂધ ધીમે ધીમે આછા લીલા રંગનું થઇ જશે.ત્યારબાદ તેમાં થોડુંજ ગળપણ આવે એટલામાટે બે ચમચી સાકર ઉમેરવી..અને આંકડાની ડાંડલીથી હલાવતા હલાવતા માવા જેવું ઘટ્ટ બની જાય ત્યારે તાપ પરથી નીચે ઉતારી લઇ, ઠરવા દઇ, પેંડો બનાવી એકીસાથે એક જણે ખાઇજવાનો. પણ કોણે ? જેનેહાલ મેલેરિયાતાવ ન આવતો હોય એમણે ! છેનેચમત્કારઆંકડાનો ખરાખરીનો ! મેલેરિયાહવેપછીવરસભર ન આવેએવીઆંકડાની લેખિત ગેરંટી !
આટલું જરૂર કરીએ =આપણી વાડીમાં લાગઠ વાવેતર આંકડાનું ભલે ન કરીએ.પણ શેઢે-પાળે કે અડબાઉ જગ્યાએ ઉગી નીકળતાકે ઊભેલા આંકડાને ઉજરવા દઇએ.તેને થોડું રક્ષણ આપીએ.અને તેના ઉપયોગની જાણકારી મેળવી ખેતીક્ષેત્રે પોષણ-સંરક્ષણ બન્નેબાબતે તેને ભાગેઆવતું કામ કરવાદઇએ.જેથી પર્યાવરણ અનેખેતીસમતૂલામાંએપણભાગીદાર થઇ શકે.
        પંચવટી બાગ. માલપરા જિ. ભાવનગર                                 --હીરજીભીંગરાડિયા [મો.93275 72297]

2 ટિપ્પણીઓ:

  1. Hello Sir,
    Mane Dhadhar no problem chhe, 2 pag ni vachche na bhag ma mane bahu khujali aave chhe, ghani vaar allopathic medicine lidhi pan aa rog farithi ugi nikle chhe, mara pappa mane kehta ke AAMKADA ma khub shakti chhe, aaje aa tamaro blog vanchine mane maro aa rog jad-mul mathi kadhavani ichha thayi chhe.
    Shu tame mane janavasho ke kai rite AANKADO use karu?

    With thanks and regards,
    Suraj.

    જવાબ આપોકાઢી નાખો