મંગળવાર, 9 ડિસેમ્બર, 2014



      નવરાશનો  થોડો સમય કાઢી ક્યારેક એક અખતરો કરી જોજો !. સાંકડો અને ઊંડો મારગ હોય ત્યાં ઘેટાંનું ટોળું હાલ્યું જતું હોય ત્યારે આગળ જઈ, મારગમાં જમીનથી દોઢેક ફૂટ ઉંચેરું એક દોરડું આડું કરી દેવાનું, અને પછી શું થાય છે તે જોવાનું ! દોરડું આડું આવતાં એક પછી એક ઘેટું ઠેકડો મારી, દોરડું કૂદી આગળ નીકળવા માંડશે. ત્રીજા ભાગના ઘેટાં દોરડું કૂદતાં કૂદતાં પસાર થઈ જાય પછી દોરડું જમીન સરસું છોડી દેવું. તો પણ એ જગ્યાએ પહોંચતાં દરેક ઘેટાને કૂદી જતું જોઇ શકશો ! બસ, આનું જ નામ ગાડરિયો પ્રવાહ ! આગળવાળા ઘેટાને તો દોરડું આડું હતું માટે કૂદવું પડતું હતું, પણ પાછળવાળા આગળવાળાકૂદે છે માટે કૂદવું,એવું ધારી બુદ્ધિ વાપર્યા વિના કૂદકા મારતા જોઇ શકાય છે.
        પણ એ તો બિચારું વગડે વિહરતું ને ઘાસ-ફૂસ ચરી ખાતું જાડી બુદ્ધિવાળું પામર જનાવર છે. જ્યારે આપણે ખેડૂતો સૌ જીવોમાં સર્વષ્રેષ્ઠ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી ગણાતા જીવ માણસ માહ્યલા હોવા છતાં ક્યારેક ક્યારેક ઘેટા જેવું વર્તન કરી બેસતાં કેમ ભળાતાં હઇશું-એ મારે મન એક કાયમી અણઉકેલ કોયડો બની રહ્યો છે.
કાનાદાદા કરે હરખાની વાત :  નકલને વળી હોતી હશે અકલ ?” એમ બોલી અમારે કાનાદાદા એક દાખલો આપતા : એક ગામમાં હરખો નામે એક ખેડૂત. બોલાવ્યે-ચલાવ્યે-બધી રીતે સારું માણહ ! પણ એક વાતે એવો અવળચંડો કે કાંક્યને કાંક્ય બખડજંતર કર્યા જ કરે ! એકવાર એવા રવાડે ચડ્યો કે બસ, ગામના હરજીપટેલ કરે, એવી જ ખેતી મારે કરવી ! પોતાની વાડી જેવી માવજત માગતી હોય, એ પ્રમાણેની કરવાને બદલે પટેલ એની ખેતીમાં જેવા કામો કરે બસ, એવા જ કામો કરવાના રવાડે ચડી ગયો ! ક્યારેક હરજીપટેલની વાડી દીમની પોતે નજર ફેરવી આવે, તો ક્યારેક પટેલના સાથી પાસેથી વાત જાણી લ્યે કે પટેલની વાડીમાં આજ ક્યુ કામ થવાનું છે ?
        બન્યું એવું કે એક વાર સાથીને પુછવાનો કે વાડી પર નજર ફેરીઆવવાનો મેળ નો રહ્યો, તે પટેલને ઘેર જઈ, ખુદ હરજીપટેલને જ પુછ્યું: પટેલકાકા ! આજ મોલાતમાં તમે કયું સાંતી જોડવાના છો ?” પટેલ હતા પોશેલા અને જમાનાના ખાધેલ માણહ ! એને એમ થયું કે આ માળું ખાબોચિયાંનું દેડકું વળી દરિયો ડોળતા મગરમચ્છનો વદાડ કરવા નીકળ્યું છે ! ક્યાં ઇ અને ક્યાં હું ? ક્યાં એનું મારી શેઢામોસમ જેવડું ખેતરડું ને ક્યાં મારી ચાર સાંતીની ખેડ્ય ? મારો વદાડ કરવા હાલી નીકળ્યું છે તે લાવને આજ એનું ય પાણી માપી જોઉં ! એમ મનોમન વિચારી કહે: આવ ભાઇ હરખા ! આજ તો અમે ઊભા મોલમાં રપટા જોડ્યા છે બે !  હંવ... ત્યારે ! કહી હરખો તો જે ઉપડ્યોને કે રોંઢો ઢળતાં ઢળતાં ઊગીને  ઊભી થયેલ કૂણી મોલાતના મૂળિયાં નીચેથી રપટાની રાંપ ફેરવી કાઢી આખા કટકામાં ! તમે જ કહો, મોલની શી દશા થઈ હશે ? વગર વિચાર્યે ધણ વાંહે ઢાંઢી થવા જતાં માથે ફાળિયું ઓઢીને પોકે પોકે રોવાનો વારો આવ્યો હરખાને !”
નર્સરીઓનો રાફડો ફાટ્યો :  અમારા સૂકા વિસ્તારમાં ફળપાકોનો વ્યાપ વધે એ હેતુસર 1988 માં પંચવટી બાગમાં દાડમ, બોર, આમળાં જેવા વાડીના જ વૃક્ષોમાંથી કલમો બનાવવાની નર્સરી શરૂ કરેલી. નર્સરીમાંથી કલમોનો થતો ઉપાડ જોઇ કેટલાક ખેડૂતોને એમ થયું કે નર્સરીમાં તો બહુ રળાય એવું લાગે છે. એકે કરી, બીજાએ કરી, ને એમ કરતાં કરતાં નાનકડા ગામમાં જ બોર-કલમોની 7-8 નર્સરીઓ બની ગઈ ! ચોરે ને ચૌટે બસ, બોર-કલમોના જ ભાવતાલ ને કોણ ગ્રાહક કોની નર્સરી પર જાય છે, એનું જ રાખવાનું ધ્યાન ! ફલાણાભાઇ કલમના છ રૂપિયા લે છે, હું ચારમાં આપીશ. એવી હરિફાઇઓ શરૂ થઈ. છેલ્લે છેલ્લે તો એવી હાડ્ય હાડ્ય થઈ કે વાળંદની દૂકાનેય બોર-કલમો વેચાતી હોય એવી સ્થિતિ આવી ગઈ,અને બધી જ નર્સરીઓ ક્યારેબંધ થઈ ગઈ, તેની શેઢા-પાડોશીને પણ ખબર નારહી,એમ એકાએક બંધ થઈગઈ. જેની નર્સરી શરૂ છે તે આજે પણ સરસ કમાણી કરે છે.
બોરના બગીચાઓનો ખો બોલાવી દીધો ! :  એ જ અરસામાં પંચવટી બાગમાં ગોલા-ઉમરાન બોરડી ઉછેરેલી. બાગમાં પાકતા બોર અમે લક્ઝરી બસ દ્વારા સુરત મોકલતા અને સારા ભાવ મેળવતા. અમારી વાડી તો મુલાકાતીઓની અવર-જવરથી હાંફતી વાડી ! એકે જોયું, બે એ જાણ્યું, ત્રણે વખાણ્યું ને માળું વાયુવેગે વાત એવી ફેલાણી કે બોરનીખેતીમાં તો અઢળક કમાણી દેખાય છે ! જોકે વાતે ય સાચી હતી-જ્યાં સુધી બોરના બગીચાઓની સંખ્યાં માપની હતી ત્યાં સુધી ! પણ સારાએ સૌરાષ્ટ્રમાં બોરની ખેતી પાછળ પાગલ બની જઈ, એટલા બધા ખેડૂતોએ બોરડી વાવી દીધી કે એ બધીમાં જ્યારે બે-ત્રણ વરસે બોરાં માંડ્યા ઉતરવા અને પીઠમાં માંડ્યા ભરાવા ત્યારે ખરી ખબર પડી કે અલ્યા ! પાઘડીનો  વળ પૂગી ગ્યો છેડે ! માગ અને પૂરવઠાનો નિયમ સમાંતર જળવાય તો ભાવ મળે માફક, બાકી એક ખટારો બોરાં માંડ ખપાવી શકવાની ક્ષમતા હોય, એ માર્કેટમાં પાંચ ખટારા બોરાં ઉતરી પડે તો પીઠુંયે હાંફવા જ માંડેને ?  આ થોડા ઘઉં, બાજરો,જીરુ કે મગફળી જેવું સૂકું-નક્કર ઉત્પન્ન છે કે તાત્કાલિક ન વેચીએ તોય હાલે ! બોરાં તો કહેવાય રાંધણું ! ત્રીજા-ચોથા દિવસે થઈ જાય રાતાચોળ ને માંડે ગંધ મારવા ! પછી કોણ એનો ધણી થાય, તમે જ કહો ! વેપારી એવા નાખી દીધાના મૂલે માગે કે વાડીએથી પીઠામાં પોગાડવાનું ખટારાભાડુંયે માથે પડે !
         આપણે સૌરાષ્ટ્રવાસીઓ આરંભે હોઇએ છીએ શૂરા ! બોરડી ચોપવામાં  હૈસો...હૈસો... કરી જે ઉતાવળથી સૌ લાગી પડ્યાતા એકસામટા-બસ, એમ જ હવે સૌ બોરનીખેતીમાં તો કંઇ ભલીવાર નથી ભળાતું, મેલો કોદાળી ! કરી,એકે ખોદી, બે એ ખોદી, અને હાલ્યું એતો... એવી ઝપટ બોલાવી કે બધાએ ખોદી કાઢ્યે જ હાશ કર્યું ! બોરની ખેતીનો સાગમટે વિદાય કાર્યક્રમ ગોઠવી દીધો. જેમણે થોડી ધીરજ ધરી, લાંબો વિચાર કરી, થોડા થોડા ઘેરા ઊભા રાખ્યા, એ ખેડૂતો આજે પણ બોરની ખેતીમાં બહુસારી કમાણી કરી રહ્યા છે.
 જરૂર વિના દવાનો છંટકાવ : નામ નહીં દઉં, મેં મારા જાણીતા એક ખેડૂતભાઇને ઊગીને ઊભો થઈ હજુ બે જ પાંદડે હો ! ત્રીજું પાંદડું ઉપર નહોતું નીકળ્યું એવા કપાસના પાક પર દવા છાંટતો ભાળી, જીપ ઊભી રાખી,તેની પાસે જઈ પૂછ્યું કે: આવડા જીણકુડા છોડવામાં કઈ જીવાત કનડવા માંડી છે કે મોટો ત્રણ ફૂટ પહોળો દવાનો ફુવારો એના માથે ફેરવ્યે જાઓ છો ?” મને કહે-શું હીરજીભાઇ તમે પણ, આમ ચારે બાજુ નજર તો કરો ! એકે એકના ખેતરમાં દવાના પંપ હાલે છે કે નહીં ? બધા છાંટતા હોય પછી મારે કેમ ન છાંટવી તે સમજાવશો મને ?” એણે તો ઉલટાનો મને ઉધડો લીધો.
       મારે કહેવું પડ્યું:ભલાભાઇ ! એ બધાના કપાસ સામું તો જરાક નજર કર. એ બધા આગતર ઉગાડેલ હોઇ મોટામોટા થઈ ગયેલા છે. એને કંઇ તકલીફ થઈ હશે તો છાંટતા હશે, પણ તારો કપાસ હમણાના વરસાદે ઉગાડેલો, કેટલો પાછતર છે એનો તો વિચાર કર ! જેનો નાળ હજુ ખડ્યો નથી એવા આ છોડવાને ક્યાં દવાની જરૂર છે તે આદુ ખાઇને મોટા ઉપાડે મંડાણો છે ફ.ર.ર ફ.ર.ર બુદ્ધિનું પ્રદર્શન કરવા !મારે જરા તીખા શબ્દોમાં વઢીને દવાનો પંપ બંધ કરાવવો પડ્યો બોલો !
       થોડા વરસ પહેલાં કેટલાક ખેડૂતોના મનમાં એવું ઠસાઇ ગયેલું કે આપ્સા-80 કપાસની ખેતીમાં બહુ ફાયદો કરે છે. અને માળો માલધારીઓના ડીંગડિયા તારની માફક ખેડૂતોમાં વાયરો વાત લઈને જે ઊડ્યો, તે જેને હોય એને મોઢે બસ આપ્સા-80 જ છાંટવાની વાત નીકળે ! અરે, તમને શું વાત કરું, અમારા વિસ્તારમાં આપ્સા-80ની બાટલીઓ મળવી મુશ્કેલ બની ગઈ, અને છેક સુરત બાજુથી ખેડૂતોના છોકરાઓ દોડાપાટી કરી, અરે ઓન દઈનેય મેળવ્યે પાર કરી ગામડે મોકલવા માંડેલા. આપ્સા-80 બાબતે મારો કોઇ વિરોધ નથી. એ એનું કામ એની મર્યાદામાં રહીને જરૂર કરતું હશે. પણ એની પાછળ ઉંધુ ઘાલીને પડી જવાની ગાંડાઇ કરવાની જરાય જરૂર નહોતી.
      આપણો પાક ક્યો છે ? તેમાં સવા-કવા કે રોગ-જિવાતની સ્થિતિ શું છે ? અને સામે આપ્સા-80નું ખરેખર કામ શું છે ? તે જાણવું કે જાણ્યા વિના બસ દે દે ને દે જ, આંધળે બહેરું કૂટ્યા જ કરવાનું ? બીજાને વાદે મારેયે બસ મંડી જ પડવાનું ?
જે.સી.બી. મશીનનો ઢગ ખડકાયો :  બધા ભાઇઓ ખેતીમાં રોકાઇ રહીએ, એના કરતા લાવોને એક-બે ભાઇ ખેતીને સંલગ્ન હોય એવો કોઇ પેટાધંધો શરૂ કરીએ એવું વિચારી મારા નાના ભાઇઓ [કાકાના દીકરા] જેસીબી મશીન લાવ્યા. જમીન લેવલ કરવી, પાળા બાંધવા, તળાવડી બનાવવી, પાઇપલાઇનની ચર ગાળવી, મકાનના પાયા ગાળવા,ટ્રેલરમાં માટી ભરવી, બીનજરૂરી ઝાડવાં ખોદવાં જેવા વિવિધ પ્રકારના કામો રાક્ષસીઢબે થતાં જોઇ, કલાકનું લોંઠકું ભાડું સાંભળી હાલોને આપણેય આવું મશીન ખરીદીએ એવું નક્કી કરી બીજા બે જણ લાવ્યા. અલ્યા, હાલ્ય આપણે બે ભાગિયા બની સહિયારું મશીન લાવીએ એમ બે લાવ્યા, ત્રણ લાવ્યા, પાંચ લાવ્યા....ને નાનકડા 1500ની વસ્તી ધરાવતા ગામમાં 15 જેસીબી આવી ગયા.જેને નાની ખેતી હોય, ખેતીમાંથી બીજું કામ કરવાનો સમય બચતો હોય, તેઓ આવા સાધનથી પૂરક કમાણી મેળવવાનો પ્રયત્ન કરે તે ઠીક ગણાય, પણ સો સો વીઘાના ખાતેદાર, ખેતીમાં ક્યાંય તાણ્યાય ન પહોંચતા હોય તેઓ
પણ ભાડા કરવા બેંકલોન લઈ જેસીબી લઈ આવ્યા. અને જુવાનિયા એવી દોડધામમાં રોકાયા કે એની ખેડ્યમાં પડવા માંડ્યા ઘોબા ! જેમ જાજા રાંકાએ ખોળ થાય મોંઘો, એમ એકબીજામાં કોણ સસ્તુ કામ કરી આપે એવી હરિફાઇએ ચડવાનું થયું. ને બે-ત્રણ વરહે કહ વિનાનો ધંધો લાગતાં એકે વેચ્યુ, ને બીજાએ વેચ્યું ને એમ કરતા કરતા જેમ દેખાદેખીથી ખરીદ્યા હતા તેમ દેખાદેખીથી મોટાભાગનાએ પાછા વેચી પણ માર્યાં. જે બે-ત્રણ જણાએ પોતાના સંજોગો અને જરૂરિયાત જોઇને ખરીદ્યા હતા તેમણે નથી વેચ્યા,તેઓ આજે પણ રળેછે
નેટ અને ગ્રીન હાઉસનો ખોદ્યો  ખોભ : કૃષિના નવા વિજ્ઞાને આધુનિક ખેતીની ઘણી નવી દિશાઓ ખોલી દીધી છે. એમાં એક નવો અભિગમ એકર-બે એકરમાં સરકારની ધીંગી સબસીડીનો લાભ લઈ નેટ કે ગ્રીનહાઉસ ઊભા કરી, તેમાં વિવિધ પાકોના કટાણે ફાલ લેવરાવી,  પુષ્કળ કમાણી કરી શકાય છે તેવી જાડી વાત જાણ્યા પછી અમારા વિસ્તારમાં 8-10 નેટ અને ગ્રીનહાઉસ ઊભાં કરાયાં છે. સરકાર તરફથી મળતી સબસીડીની દોડધામ અને વધારાના ખર્ચા કર્યા પછી તેમાં પાક ઉગાડવાનો થયો ત્યાં કોઇને કૂવા-બોરમાં પાણી ડૂક્યાં, કોઇને આવી સ્પેશિયલ ખેતી કરવા મજૂર તૈયાર ન થયા, તો કોઇકે રંગબેરંગી-કેપ્સીકમ મરચાં ઉગાડ્યાં તો એનું સ્થાનિક માર્કેટ ન મળ્યું, ને બહાર દૂર મોકલવાની ગણતરી માંડી તો માલના ઉપજણ કરતાં તણામણ મોંઘું થયું !
      નેટ અને ગ્રીનહાઉસની ખેતી ખૂબ જ ફાયદાકારક છે તે વાત સાવ સાચી છે. પણ કોને ? જેની પાસે ડ્રીપ પૂરતાં યે પાણી હોય !  વાડીએ વીજળી આવી ગઈ હોય, નજીકમાં જ મોટું શહેર હોય, અને શહેરમાં આપણા આ વિશિષ્ટ ઉત્પાદન-ફળ,શાકભાજી,કે ફૂલોનું જબ્બર માર્કેટ અને તીખી માંગ હોય એને ! બાકી 15-17 કે 22-25 પેટીનો ખર્ચ કરીને બનાવેલ સ્પેશ્યલ સગવડ નીચે તૈયાર કરેલ તરબૂચ, ટેટી, મરચાં કે ટમેટાં-કાકડી- ગઢડા, ઢસા, બોટાદ કે દામનગરની માર્કેટમાં મોકલવાના થાય તો ત્યાં કોને આવી પેદાશની પરખ હોય ? આવી નાની માર્કેટમાં તમે ખુલ્લા ખેતરમાં પકવીને લાવ્યા હો કે નેટ-ગ્રીનહાઉસમાં,એને શું ફેર પડવાનો કહો જોઇએ ! ગોળ અને ખોળ એક જ છાબડે તોળાવાના હોય ત્યાં નેટ અને ગ્રીનહાઉસની ખેતી પોસાય કેમ ? મુંઝારાનો પાર નથી રહ્યો, એ એકના વદાડે બીજો, ને બીજાના વદાડે ત્રીજો, એમ ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી ચૂકેલા મારા એવા કેટલાક મિત્રોની  મને પૂરી જાણ છે.
સાગ ઉગાડ્યો યે એમ અને કાઢ્યો યે એમ :  અમે પણ ગુજરાતના ખેડૂતોના વાદે ચડી આવો હૈસો....હૈસો..કરીને, કહોને ગાડરિયા પ્રવાહમાં ખેંચાઇને 25 વીઘા જમીનમાં સાગની ખેતી કરી હતી. અમે નહોતી તપાસ કરી કે અમારી જમીનનો દળ કેટલો ઊંડો છે એની, કે નહોતું જોયું જમીન ગોરાડુ-ચીકણી કે કેવા પ્રકારની છે એવું યે ! અરે, નહોતું વિચાર્યું કે સાગ જેવા બહુવર્ષીય ઝાડવાને આ નપાણિયા અને છાશવારે વરસાદનું માઠું પડે એવો દુકાળિયો વિસ્તાર ફાવશે કે નહીં એવું યે, અને બીજાનો વદાડ કરી જે દુ:સાહસ કરેલું, એમાં અમે નાપાસ થયા. ન ફાવી અમારી નીચે ચીકાશવાળી જમીન સાગને કે ન આપી શક્યા ડ્રીપ દ્વારા પણ જરૂરી પિયત એને ! પરિણામ ? પરિણામે જોઇએ એવી જાડાઇ સાગ પકડતા નહોતા. 7-8 વરસ પછી રાંડ્યા પછી ડહાપણ આવ્યું કે આપણે આપણી હાલ્ય છોડી, બીજાની હાલ્યે હાલવા ગયા,એમાં આ ભૂંડી દશા થઈ છે ! અને અમારે સાગને મૂળ સમેત ઉખાડવા જેસીબી મૂકવું પડ્યું.
  સો વાતની એક વાત :  સ્વામી વિદિત આત્માનંદજીએ ફૂલછાબ-પંચામૃતમાં કહ્યા પ્રમાણે માત્ર દેખાદેખીથી આપણે કેટલીબધી વસ્તુઓ કરતા હોઇએ છીએ ! કે કેલિફોર્નિયાની ફેશન તરત જ ન્યુયોર્ક પહોંચે અને પછી ત્યાંથી અમદાવાદમાં આવે ! ત્યાં જીન્સ શરૂ થાય કે તરત જ અમદાવાદમાં પણ યુવાનો તે પહેરવાલાગે !  ઠીક છે, મોજશોખની બાબતોમાં એકબીજાની નકલ કરતા રહેવી હજુ થોડીકેય ક્ષમ્ય છે. પણ જે વ્યવસાયમાંથી આપણા જીવન ગુજરાન માટેનો રોટલો રળવાનો છે તેમાં લાંબો વિચાર કર્યા વિના, માત્ર દેખાદેખીથી આવા દુ:સાહસો કરવા લાગીશું તો ભૂંડેહાલે પસ્તાવાનો વારો ક્યારે આવી જાય-કાંઇ કહેવાય એવું નથી મિત્રો !
                પંચવટી બાગ                                                              - હીરજી ભીંગરાડિયા
             માલપરા જિ. બોટાદ                                                           [મો.93275 72297]   

શુક્રવાર, 7 નવેમ્બર, 2014

ખેડુતોમાં પ્રવર્તતા કેટલાક ખ્યાલો પાછળનું સત્ય




     આંબા પટેલનો એ દીકરો. હરખો એનું નામ. શરીર વજનદાર અને બુધ્ધિ યે જાડી ! પણ આજ હવે એય ત્રણ છોકરાંનો બાપ બની ગયો હતો અને એના જ મોટા દીકરા બાઘુડાના લગન લેવાયા હતા. માંડવા મુહૂર્તનો સમય ચાલી રહ્યો હતો. આંગણે શોભાની અભિવૃધ્ધિ અર્થે ગામલોક અને સગા-સહોદર સૌ હરખાઇ રહ્યા હતા. બહેનો મંગળ ગીતો ગાઇ રહી હતી. ગોરબાપા મંડપ રોપાણની વિધિ માટેના પાંચ પ્રતિનિધિ કુટુંબીજનોને હાથમાં જળ આપી હાથજોડ્ય કરાવી મંત્રોચાર કરવાની શરૂઆત કરે ત્યાં જ ખમજો ગોરબાપા, ઘડીક ખમજો !  બોલી, હાંફળા ફાંફળા થતાં હરખોભાઇ ગોરને રોકી રહ્યા અને બોલ્યા કે અમારે ફળિયે મીંદડી અને બચોળિયાંને કોઠીમાં પૂર્યા પછી જ માંડવો રોપવાનો રીવાજ છે. મારા અદાને મેં એમ કરતા મારા લગન વખતે નજરો નજર જોયા છે, મેં મીંદડી અને બચોળિયાંને પકડી લાવવા બેચાર જણાને ગામમાં દોડાવ્યા છે, આવતા જ હશે- ઘડીકમાં શું ખાટું-મોળું થઇ જવાનું છે ? ઘડીક હાંહતા પડો, મીંદડી અને બચડાંને આવવા દ્યો !  ગોરબાપા તો ઊભા થઇ ગયા ને ડાયરો યે બધો છક થઇ ગયો ! આ શું ? વાતાવરણ ગંભીર બની ગયું. ડાયરો બધો હરખાની ઠેકડી ઉડાડી તેને પાઇનો કરી નાખે, તે પહેલાં ડાયરામાં બેઠેલા વડિલ કરશનદાદા હળવેકથી ઊભા થયા અને કહ્યું ભાઇ હરખા ! તું શ્વાસ હેઠો મેલ્ય અને અહીં ઓરો, મારી પાંહે આવ્ય ! હું તને મીંદડાંવાળી આખી વાતનો ફોડ પાડું ભૈલા ! હરખોભાઇ પાંહે આવ્યો એટલે ખભે હાથ મૂકી બોલ્યા કે જો હરખા ! તે દિ તું નાનો હતો અને તારા લગન લેવાણા હતા, તે દિ તું કહે છે એમ બન્યું હતું એ વાત સાચી ! પણ મૂળ વાત એમ છે, કે તારા અદા આંબોભાઇ હતો બહુ દયાળુ જીવ ! એને એકવાર મા વગરનું મીંદડીનું બચડું રાડો પાડતું નજરે ચડેલું, તે દૂધ પાઇને મોટું કરેલું. પછી તો એ બચલું મટી મોટી મીંદડી થઇ ગઇ અને નીરણની કોઢ્યમાં વિયાંણી, ને થઇ ગઇ બચ્ચરવાળ ! એમાં આવ્યા તારા લગન ! આજની જેમ માંડવામાં સૌ ભેગા થયેલાં ને મીંદડી અને બચલાં તારા અદાના હતા બહુ હેવાયાં ! તારા અદા તો સૌને આવો !આવો ! કહી આવકાર આપે. ને બચલાં ને મીંદડી યે માળાં બહુ ખુશ-તે ડાયરામાં વચ્ચે કરે કુદાકુદ ! મારું હાળું આનું કેમ કરવું ? તારા અદા તો અકળાયા,એટલે પકડીને પૂરી દીધા હતાં માં-છોરું બધાને કોઠીમાં ! બીજાને નડતર ન થાય અને સૌની સરભરા કરી શકાય તેવી વ્યવસ્થા ખાતર એણે કોઠીમાં પૂરેલાં, નહીં કે તમારા કુટુંબના આવા કોઇ રિવાજના પાલન માટે. એટલે ગોરબાપાને કહે કે તમતમારે વિધિ ચાલુ કરો-મંડપ રોપાવો,અને આપણે લાવો ગોળ-ધાણાં-અને સૌનાં મોં કરાવો મીઠાં ! કરશનદાદા વડિલે પ્રસંગનો દોર હાથમાં લઇ પ્રસંગને હળવો બનાવ્યો.
આવું તો ઘણું ય છે  ! = આના જેવા કેટલાય સાચા-ખોટા ખ્યાલો ખેડુત કુટુંબોમાં ઘર કરી ગયા છે. આપણે એવા કેટલાક ખ્યાલોનું પૃથુકરણ કરીએ કે જેથી  સાચી ખબર પડે કે તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક સત્ય છે ખરું ?
[1] દરિયાકાંઠાથી દૂરના વિસ્તારમાં નાળિયેરીના ખામણામાં ખાતરની જેમ મીઠું ઉમેરીએ તો ફળો વધુ આવે છે  =
        બાળક અને બુઢ્ઢા બેય સાવ સરખા ! એવું આપણે ઘણીવાર સાંભળતાં હોઇએ છીએ. એનો સાદો અર્થ એવો થાય કે બાળકની  જેમ વૃધ્ધોને મોઢામાં દાંત રહ્યા હોતા નથી, અને હોય તો મજબૂત હોતા નથી. એટલે એને ખોરાક બાળકોના જેવો દૂધ અને લાળિયું [શીરો],ખીચડી જેવો કુણો-પોચો-પ્રવાહી અપાય. એનો સ્વભાવ પણ બાળક જેવો-ઘડીકમાં રીજી જાય તો ઘડીકમાં ખીજી જાય, વાતે વાતે ખોટું લગાડી જાય, એવો લાગણીશીલ થઇ ગયો હોય, એટલે વાત કરવામાં ધીરજ રખાય. એ થોડું તાણીને બોલે તો આપણે મનમાં લાવ્યા વિના-એનું ખોટું યે ન લગાડાય વગેરે.
          પણ કોઇ જણ એનો અર્થ એવો યે કરી નાખે કે છોકરું તોફાની હોય તો તેને હોસ્ટેલ ભેળું જ કરાય !  તેમ દાદા-દાદી જ્યારે જયેં હોય તયેં ખટખટ કર્યા કરતાં હોય તો મૂકી અવાય એને ય ઘરડાઘરમાં ! બુઢ્ઢા માબાપ બાબતે જેમ એક કહેતીના બેઅર્થ લેવાયા તેમ નાળિયેરીને દરિયાકાંઠો બહુ ફાવે ! તે વાતનો વૈજ્ઞાનિક અર્થ એ છે કે નાળિયેરીને દરિયાકાંઠાની હવા વધુ માફક આવે છે. નહીં કે દરિયા કાંઠાનું ખારું ઉસ પાણી કે કાંઠાની ખારી ધૂધવા જેવી જમીન ! મીઠું જે જમીનમાં ઉમેરવામાં આવે તે જમીન અતિ ખારી-નકામી બની જાય છે. નાળિયેરીના ખામણાંમાં મીઠું ઉમેરવાનો પ્રયોગ કરવા જેવો નથી. આવી ભૂલ ન કરાય.
[2] તૂરિયાના વેલાને ચીરી- અંદર કારેલીનો વેલો ભરાવી દેવાથી એ વેલાપર કારેલા તૂરિયા જેટલા લાંબા આવવા લાગે છે =
         માનોકે તૂરિયા અને કારેલીના વેલાનું બંધન સફળ થઇ ગયું તો પરિણામે તૂરિયા અને કારેલી બન્નેના ગુણ ભેગા થઇ જઇ-કારેલું મોટું તૂરિયા જેવડું થવા લાગે એ વાત વૈજ્ઞાણિક સત્યથી ઘણી વેગળી છે મિત્રો ! હા, એટલું જરૂર થાય કે કારેલીનો વેલો થોડો વધુ સારો ફાલે ! પણ એના ફળનું કદ તૂરિયા જેવડું લાંબું થઇ જતું નથી. તૂરિયા અને કારેલી બન્નેના ગુણવાળા ફળ લાગે તેવો વેલો બનાવવો હોય તો પહેલાં એક બીજાના ફૂલ સાથે ક્રોસ-ફલીકરણ કરવાનું [કોઇ વનસ્પતિ શાસ્ત્રીને પહેલાં પૂછવું પડે કે આવું થાય કે ન થાય ? ] ગોઠવી, જે બીજ તૈયાર થાય તે રોપવાથી  ફળો મોટાં મેળવી શકાય, વેલામાં વેલો ભરાવી દીધે સંકરણની ક્રિયા થાય નહીં.
[3] ગાયના ખાપરી [સરાળવું] થયેલ દૂધને, મુંગા મુંગા જઇ ,રાફડે રેડી આવવાથી  ગાયને ખાપરી મટી જાય છે =
        આ ઉપાય કર્યા જેવો નથી ભાઇઓ ! રાફડાને અને સરાળવા ને કોઇ લેવાદેવા નથી. સરાળવું એ ગાયના આઉ-આંચળમાં કોઇ ઇજા થવાથી અંદર થયેલ પાકનું મેસ્ટાઇટીસ નામનું થતું દર્દ છે. જેથી  દૂધમાં લોહી અને રસી આવવા લાગે છે.આંચળમાંથી આવું દૂધ નીંદોવી લેવું જરૂરી છે અને તેને રાફડા જેવી દૂરની જગ્યાએ રેડી દઇ નાશ કરવાનો યે વાંધો નથી. પણ એટલું કર્યા માત્રથી સંતોષ માની લેવાને બદલે ગાયના એ માંદા આંચળની ડોક્ટરી સારવાર કરાવવી અત્યંત આવશ્યક છે. રાફડે દૂધ રેડી આવવાથી ખાપરી ન મટે. અને ગાયનો એ આંચળ કે ક્યારેક આખેઆખું અડાણ ખોટું પડવાની પૂરી ભીતિ છે ભાઇઓ !
[4] હીટમાં આવ્યા પછી ખુંટ કે પાડા દ્વારા ફાલુ થયેલ  ગાય કે ભેંશ ઘેર પાછી ફરે ત્યારે ડેલામાં ગરતાંવેંત તેના કપાળમાં દોણકું ફોડવાથી એ ઉથલો કરતી નથી = જાનવરના કપાળમાં ઓચિંતાનું દોણકું ફોડ્યે તો તે એકદમ ભડકી જાય,બી જાય-ક્યારેક ઝાડો-પેશાબ પણ કરી જાય ! અને શરીરમાં આરોપાએલ નર બીજ પ્રવાહી પણ શરીર બહાર સરી પડે એવી ભીતિ છે. પરિણામ ઉલટાનું ઉંધું આવી શકે છે. હા, એવું ચોક્કસ કરાય કે ફાલુ થયેલ જાનવર બેચાર કલાક હેઠું ન બેસી જાય, તે ઊભું ને ઊભું રહે, કે હાલતું ચાલતું રહે તો ગર્ભાશયમાં આરોપાએલ બીજ ત્યાં ટકી રહે. બેસી  ગયે સમગ્ર પેટ પર યાને ગર્ભાશય પર પણ દબાણ આવતાં પ્રવાહી બહાર નીકળી જવાનો ભય રહે, એટલે બેચાર કલાક બેસી ન જાય તેનું ધ્યાન રાખતાં થઇએ તો ઉથલા નો ભય ટાળી શકાય છે.
[5] હીટ માં આવેલ ગાયને જો નીલગાય ના નર  લીલ નો ભેટો થઇ જાય, તો તે ગાય ફળી જાય છે =
          અલ્યાભાઇ ! ઘોડાને શિંગડાં ઉગે એવી વાત થઇ આ ! આંબે આંબો કે બોરડી સાથે અન્ય બોરડી, આમળી સાથે અન્ય આમળી કે બહુ તો રાયણ સાથે ચીકુની ભેટ,આંખ કે નૂતન કલમ થઇ શકે. કંઇ આંબો કે ઇંગોરિયાની કે ખીજડા સાથે આમલીની કલમ થોડી થઇ શકે ?  કોઇ પણ ગાય વર્ગ બીજી ગાયની જ ઓલાદ-કાંકરેજ,થરપાર્કર કે શાહીવાલ-ગીર,  એકબીજી ઓલાદના નર-માદા પ્રાણી એકબીજા સાથે ફાલુ થઇ શકે. ગાય વર્ગનો ખૂંટ કંઇ ઘોડી, ગધેડી કે ઊંટડી સાથે ફાલુ ન થાય. નીલગાય એ ગાય વર્ગનું પ્રાણી જ નથી. એ તો કાળિયાર અને ચિંકારા જેવી હરણની એક પ્રજાતિ છે. હિંદુ સમાજમાં રોજડાંને ધાર્મિક રક્ષણ મળી રહે, એ અર્થે કોઇ મુસ્લિમ બાદશાહે નીલ ની પાછળ ગાય ઉમેરીને તેને અવધ્ય ઠરાવી દીધેલ છે. જે તે વર્ગના પ્રાણીની માદાનું ઋતુમાં આવવું અને એના જ વર્ગના નર પ્રાણીનું તેના તરફ આકર્ષણ થવું-અને ફાલુ થવાનો પ્રયત્ન થવો તે બધા આવેગો કુદરત પ્રેરિત હોય છે ભલા ! કુદરતની અવજ્ઞા કરી માણસ સિવાય કોઇ જીવ નિયમ બારો  વ્યવહાર કરતાં ભળાતો નથી.
[6] નર પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઇએ એટલે એ નર ઝાડને પણ ફળો લાગવા માંડે છે =
          હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઇંડા મૂકવાનું કામ માત્ર રાણીમાખી જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે. પણ જ્યારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ ક્યારેક ઇંડાં મૂકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનતી નથી. કંઇક એમ જ.......
         નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લાગતાં નથી. પણ જ્યારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઇએ, ત્યારે એને ઇજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઇ જાય છે, અને અકાળે મૃત્યુ આવી જશે એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે અરેરે ! બચ્ચાં [બિયાં] પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?” એટલે નર ફૂલોની વચ્ચે માદા ફૂલો ખિલવા માંડે છે.અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાએલાં ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર-ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિએ સૌ જીવોમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદમ્ય ઇચ્છા મૂકી છે તે આના પરથી સાબિત થાય છે.
[7] મીઠી લીમડીને છાશ પાવાથી તે જલ્દી મોટી થાય છે.=
         સાચી વાત છે. કારણ કે છાશ એ સજીવ ટોનિક છે. એ એક પ્રકારના હોર્મોંસનું પણ કામ કરે છે.છાશ એ જમીન અંદરના બેક્ટેરિયાને ઉત્તેજિત કરી વધુ સક્રિય બનાવતી હોવાથી છોડને જરૂરી પોષકદ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળવા માંડતા વિકાસ વધારે થાય છે. માત્ર મીઠી લીમડીને જ નહીં, કોઇ પણ ઝાડ-છોડને છાશ પાવામાં આવે તો તે ઉત્તમ ખાતર જેટલો ગુણ દેખાડી ફાલ સુધ્ધાંમાં લાભ દેખાડે છે. માત્ર આ છાશ હોવાનો ચમત્કાર નથી પણ સજીવ ટોનિક હોવાનો બધા જ ઝાડવાઓને લાગુ પડતો ચમત્કાર છે.
[8] ઘઉંની વાવણી કરનાર જણને ખ્યાલ ન રહે તેમ બિયારણના જથ્થામાંથી થોડા ઘઉં ચોરીલઇ, તેની લાપસી બનાવાય તો ઘઉંનો તે ઘેરો  ખૂબસારો ઉતારો લે છે =  જોજો અત્યારના સમયમાં રખે બિયારણ ચોરી-લાપસી બનાવવાની ભૂલ કરતા ! કારણ કે અત્યારનું બિયારણ કોઇ ઝેરી દવા ભેળવ્યા વિનાનું હોવાનું જ નહીં ! બાકી આ માન્યતાનો અર્થ એવો થાય કે ખેડુતો ઘર-ઘરાઉ બીજ રાખી બળદના દંતાળથી અને જાતે બિયારણ હાથથી ઓરીને વાવણી કરતા, ત્યારે બીજના જથ્થામાં થી કોઇ થોડા ઘઉં ચોરી જાય, એનો ખ્યાલ પણ એને જ ન રહે એવા વાવણી કરવામાં પૂરા એકાગ્ર હોય ! તેની નજર આસપાસ શું બની રહ્યું છે, કે કોની અવર જવર ચાલુ છે ?’ તેમાં ન હોય ! પણ યોગ્ય ઊંડાઇએ જ બીજ પડે છેને ? મૂઠીમાંથી બીજ બરાબર માપસર સરકે છેને ? પાછળ બિયાં ખુલ્લાં તો નથી રહી જતાંને ? વગેરે બાબતોની ચિવટ રાખી વાવણી ઉત્તમ કેમ થાય ?’ બસ, તેમાં જ વ્યસ્ત અને મસ્ત હોય તેને ક્યાંથી ખબર હોય કે બિયારણના ઢગલા પાસે કોણ આવ્યું તેની ? એટલે જેની વાવણી ઉત્તમ એનું ઉત્પાદન અઢળક મળે જ ! એટલે એ દ્રષ્ટિએ આ કહેતી સાચી ગણાય. દિલ રેડીને જે કામ થાય, એની ભાત્ય જુદી પડે જ મિત્રો ! અને હા...હો ! એક શક્યતા બીજી એ ખરી કે વાવનારો ઘઉં બહુ ઘાટા વાવી દે, તો છોડ ફૂટ્ય ખૂબ ઓછી લે અને પૂરા પહટે પણ નહીં ! એટલે થોડાક ઘઉં ચોરી લીધા હોય, તો એટલું તો માપે બીજ વવાયને ? એટલે માપ બારું બીજ વાવતો રોકવા આ યુક્તિ કદાચ લડાવી હોય !
[9] લીંબુડીના ખામણામાં મરી ગયેલું કુતરું દાટીએતો લીંબુડીને ફાલ વધુ લાગે છે =
         સાવ સાચી વાત છે ભાઇ ! માત્ર લીંબુડી જ નહીં, પણ કોઇપણ ફળઝાડ- આવા કુતરાના દેહમાંથી સડીને ખાતર બની ગયેલ સેંદ્રીય પદાર્થ જેને ખાવા મળે, તે એનો બદલો બળુકો જ આપી જાણે ! પણ એ ખાડો છીછરો નહીં, થોડો ઉંડો કરી, એમાં દાટી, ઉપર બરાબર માટી દાબી દેવી. જેથી તેની દુર્ગંધ ન આવે. બાકી કોઇપણ જીવંત વસ્તુના અવશેષો : વાળ,ચામડું, માંસ, હાડકાં વગેરે કોહવાયા પછી જે ખાતર તૈયાર થાય, તે બહુ કસદાર હોવાનું. પરિણામે એનો લાભ લેનાર ઝાડ બળુકું જ થવાનું. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના મારા અભાસકાળમાં આવા મરેલાં કુતરાં-મીંદડાં શોધી શોધી મોસંબીનાં ખામણાંમાં અમે દાટી દેતા અને મોસંબીનો ઉત્તમ ફાલ મેળવતા તેનો જાત અનુભવ લીધેલો.