શુક્રવાર, 7 નવેમ્બર, 2014



     આંબા પટેલનો એ દીકરો. હરખો એનું નામ. શરીર વજનદાર અને બુધ્ધિ યે જાડી ! પણ આજ હવે એય ત્રણ છોકરાંનો બાપ બની ગયો હતો અને એના જ મોટા દીકરા બાઘુડાના લગન લેવાયા હતા. માંડવા મુહૂર્તનો સમય ચાલી રહ્યો હતો. આંગણે શોભાની અભિવૃધ્ધિ અર્થે ગામલોક અને સગા-સહોદર સૌ હરખાઇ રહ્યા હતા. બહેનો મંગળ ગીતો ગાઇ રહી હતી. ગોરબાપા મંડપ રોપાણની વિધિ માટેના પાંચ પ્રતિનિધિ કુટુંબીજનોને હાથમાં જળ આપી હાથજોડ્ય કરાવી મંત્રોચાર કરવાની શરૂઆત કરે ત્યાં જ ખમજો ગોરબાપા, ઘડીક ખમજો !  બોલી, હાંફળા ફાંફળા થતાં હરખોભાઇ ગોરને રોકી રહ્યા અને બોલ્યા કે અમારે ફળિયે મીંદડી અને બચોળિયાંને કોઠીમાં પૂર્યા પછી જ માંડવો રોપવાનો રીવાજ છે. મારા અદાને મેં એમ કરતા મારા લગન વખતે નજરો નજર જોયા છે, મેં મીંદડી અને બચોળિયાંને પકડી લાવવા બેચાર જણાને ગામમાં દોડાવ્યા છે, આવતા જ હશે- ઘડીકમાં શું ખાટું-મોળું થઇ જવાનું છે ? ઘડીક હાંહતા પડો, મીંદડી અને બચડાંને આવવા દ્યો !  ગોરબાપા તો ઊભા થઇ ગયા ને ડાયરો યે બધો છક થઇ ગયો ! આ શું ? વાતાવરણ ગંભીર બની ગયું. ડાયરો બધો હરખાની ઠેકડી ઉડાડી તેને પાઇનો કરી નાખે, તે પહેલાં ડાયરામાં બેઠેલા વડિલ કરશનદાદા હળવેકથી ઊભા થયા અને કહ્યું ભાઇ હરખા ! તું શ્વાસ હેઠો મેલ્ય અને અહીં ઓરો, મારી પાંહે આવ્ય ! હું તને મીંદડાંવાળી આખી વાતનો ફોડ પાડું ભૈલા ! હરખોભાઇ પાંહે આવ્યો એટલે ખભે હાથ મૂકી બોલ્યા કે જો હરખા ! તે દિ તું નાનો હતો અને તારા લગન લેવાણા હતા, તે દિ તું કહે છે એમ બન્યું હતું એ વાત સાચી ! પણ મૂળ વાત એમ છે, કે તારા અદા આંબોભાઇ હતો બહુ દયાળુ જીવ ! એને એકવાર મા વગરનું મીંદડીનું બચડું રાડો પાડતું નજરે ચડેલું, તે દૂધ પાઇને મોટું કરેલું. પછી તો એ બચલું મટી મોટી મીંદડી થઇ ગઇ અને નીરણની કોઢ્યમાં વિયાંણી, ને થઇ ગઇ બચ્ચરવાળ ! એમાં આવ્યા તારા લગન ! આજની જેમ માંડવામાં સૌ ભેગા થયેલાં ને મીંદડી અને બચલાં તારા અદાના હતા બહુ હેવાયાં ! તારા અદા તો સૌને આવો !આવો ! કહી આવકાર આપે. ને બચલાં ને મીંદડી યે માળાં બહુ ખુશ-તે ડાયરામાં વચ્ચે કરે કુદાકુદ ! મારું હાળું આનું કેમ કરવું ? તારા અદા તો અકળાયા,એટલે પકડીને પૂરી દીધા હતાં માં-છોરું બધાને કોઠીમાં ! બીજાને નડતર ન થાય અને સૌની સરભરા કરી શકાય તેવી વ્યવસ્થા ખાતર એણે કોઠીમાં પૂરેલાં, નહીં કે તમારા કુટુંબના આવા કોઇ રિવાજના પાલન માટે. એટલે ગોરબાપાને કહે કે તમતમારે વિધિ ચાલુ કરો-મંડપ રોપાવો,અને આપણે લાવો ગોળ-ધાણાં-અને સૌનાં મોં કરાવો મીઠાં ! કરશનદાદા વડિલે પ્રસંગનો દોર હાથમાં લઇ પ્રસંગને હળવો બનાવ્યો.
આવું તો ઘણું ય છે  ! = આના જેવા કેટલાય સાચા-ખોટા ખ્યાલો ખેડુત કુટુંબોમાં ઘર કરી ગયા છે. આપણે એવા કેટલાક ખ્યાલોનું પૃથુકરણ કરીએ કે જેથી  સાચી ખબર પડે કે તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક સત્ય છે ખરું ?
[1] દરિયાકાંઠાથી દૂરના વિસ્તારમાં નાળિયેરીના ખામણામાં ખાતરની જેમ મીઠું ઉમેરીએ તો ફળો વધુ આવે છે  =
        બાળક અને બુઢ્ઢા બેય સાવ સરખા ! એવું આપણે ઘણીવાર સાંભળતાં હોઇએ છીએ. એનો સાદો અર્થ એવો થાય કે બાળકની  જેમ વૃધ્ધોને મોઢામાં દાંત રહ્યા હોતા નથી, અને હોય તો મજબૂત હોતા નથી. એટલે એને ખોરાક બાળકોના જેવો દૂધ અને લાળિયું [શીરો],ખીચડી જેવો કુણો-પોચો-પ્રવાહી અપાય. એનો સ્વભાવ પણ બાળક જેવો-ઘડીકમાં રીજી જાય તો ઘડીકમાં ખીજી જાય, વાતે વાતે ખોટું લગાડી જાય, એવો લાગણીશીલ થઇ ગયો હોય, એટલે વાત કરવામાં ધીરજ રખાય. એ થોડું તાણીને બોલે તો આપણે મનમાં લાવ્યા વિના-એનું ખોટું યે ન લગાડાય વગેરે.
          પણ કોઇ જણ એનો અર્થ એવો યે કરી નાખે કે છોકરું તોફાની હોય તો તેને હોસ્ટેલ ભેળું જ કરાય !  તેમ દાદા-દાદી જ્યારે જયેં હોય તયેં ખટખટ કર્યા કરતાં હોય તો મૂકી અવાય એને ય ઘરડાઘરમાં ! બુઢ્ઢા માબાપ બાબતે જેમ એક કહેતીના બેઅર્થ લેવાયા તેમ નાળિયેરીને દરિયાકાંઠો બહુ ફાવે ! તે વાતનો વૈજ્ઞાનિક અર્થ એ છે કે નાળિયેરીને દરિયાકાંઠાની હવા વધુ માફક આવે છે. નહીં કે દરિયા કાંઠાનું ખારું ઉસ પાણી કે કાંઠાની ખારી ધૂધવા જેવી જમીન ! મીઠું જે જમીનમાં ઉમેરવામાં આવે તે જમીન અતિ ખારી-નકામી બની જાય છે. નાળિયેરીના ખામણાંમાં મીઠું ઉમેરવાનો પ્રયોગ કરવા જેવો નથી. આવી ભૂલ ન કરાય.
[2] તૂરિયાના વેલાને ચીરી- અંદર કારેલીનો વેલો ભરાવી દેવાથી એ વેલાપર કારેલા તૂરિયા જેટલા લાંબા આવવા લાગે છે =
         માનોકે તૂરિયા અને કારેલીના વેલાનું બંધન સફળ થઇ ગયું તો પરિણામે તૂરિયા અને કારેલી બન્નેના ગુણ ભેગા થઇ જઇ-કારેલું મોટું તૂરિયા જેવડું થવા લાગે એ વાત વૈજ્ઞાણિક સત્યથી ઘણી વેગળી છે મિત્રો ! હા, એટલું જરૂર થાય કે કારેલીનો વેલો થોડો વધુ સારો ફાલે ! પણ એના ફળનું કદ તૂરિયા જેવડું લાંબું થઇ જતું નથી. તૂરિયા અને કારેલી બન્નેના ગુણવાળા ફળ લાગે તેવો વેલો બનાવવો હોય તો પહેલાં એક બીજાના ફૂલ સાથે ક્રોસ-ફલીકરણ કરવાનું [કોઇ વનસ્પતિ શાસ્ત્રીને પહેલાં પૂછવું પડે કે આવું થાય કે ન થાય ? ] ગોઠવી, જે બીજ તૈયાર થાય તે રોપવાથી  ફળો મોટાં મેળવી શકાય, વેલામાં વેલો ભરાવી દીધે સંકરણની ક્રિયા થાય નહીં.
[3] ગાયના ખાપરી [સરાળવું] થયેલ દૂધને, મુંગા મુંગા જઇ ,રાફડે રેડી આવવાથી  ગાયને ખાપરી મટી જાય છે =
        આ ઉપાય કર્યા જેવો નથી ભાઇઓ ! રાફડાને અને સરાળવા ને કોઇ લેવાદેવા નથી. સરાળવું એ ગાયના આઉ-આંચળમાં કોઇ ઇજા થવાથી અંદર થયેલ પાકનું મેસ્ટાઇટીસ નામનું થતું દર્દ છે. જેથી  દૂધમાં લોહી અને રસી આવવા લાગે છે.આંચળમાંથી આવું દૂધ નીંદોવી લેવું જરૂરી છે અને તેને રાફડા જેવી દૂરની જગ્યાએ રેડી દઇ નાશ કરવાનો યે વાંધો નથી. પણ એટલું કર્યા માત્રથી સંતોષ માની લેવાને બદલે ગાયના એ માંદા આંચળની ડોક્ટરી સારવાર કરાવવી અત્યંત આવશ્યક છે. રાફડે દૂધ રેડી આવવાથી ખાપરી ન મટે. અને ગાયનો એ આંચળ કે ક્યારેક આખેઆખું અડાણ ખોટું પડવાની પૂરી ભીતિ છે ભાઇઓ !
[4] હીટમાં આવ્યા પછી ખુંટ કે પાડા દ્વારા ફાલુ થયેલ  ગાય કે ભેંશ ઘેર પાછી ફરે ત્યારે ડેલામાં ગરતાંવેંત તેના કપાળમાં દોણકું ફોડવાથી એ ઉથલો કરતી નથી = જાનવરના કપાળમાં ઓચિંતાનું દોણકું ફોડ્યે તો તે એકદમ ભડકી જાય,બી જાય-ક્યારેક ઝાડો-પેશાબ પણ કરી જાય ! અને શરીરમાં આરોપાએલ નર બીજ પ્રવાહી પણ શરીર બહાર સરી પડે એવી ભીતિ છે. પરિણામ ઉલટાનું ઉંધું આવી શકે છે. હા, એવું ચોક્કસ કરાય કે ફાલુ થયેલ જાનવર બેચાર કલાક હેઠું ન બેસી જાય, તે ઊભું ને ઊભું રહે, કે હાલતું ચાલતું રહે તો ગર્ભાશયમાં આરોપાએલ બીજ ત્યાં ટકી રહે. બેસી  ગયે સમગ્ર પેટ પર યાને ગર્ભાશય પર પણ દબાણ આવતાં પ્રવાહી બહાર નીકળી જવાનો ભય રહે, એટલે બેચાર કલાક બેસી ન જાય તેનું ધ્યાન રાખતાં થઇએ તો ઉથલા નો ભય ટાળી શકાય છે.
[5] હીટ માં આવેલ ગાયને જો નીલગાય ના નર  લીલ નો ભેટો થઇ જાય, તો તે ગાય ફળી જાય છે =
          અલ્યાભાઇ ! ઘોડાને શિંગડાં ઉગે એવી વાત થઇ આ ! આંબે આંબો કે બોરડી સાથે અન્ય બોરડી, આમળી સાથે અન્ય આમળી કે બહુ તો રાયણ સાથે ચીકુની ભેટ,આંખ કે નૂતન કલમ થઇ શકે. કંઇ આંબો કે ઇંગોરિયાની કે ખીજડા સાથે આમલીની કલમ થોડી થઇ શકે ?  કોઇ પણ ગાય વર્ગ બીજી ગાયની જ ઓલાદ-કાંકરેજ,થરપાર્કર કે શાહીવાલ-ગીર,  એકબીજી ઓલાદના નર-માદા પ્રાણી એકબીજા સાથે ફાલુ થઇ શકે. ગાય વર્ગનો ખૂંટ કંઇ ઘોડી, ગધેડી કે ઊંટડી સાથે ફાલુ ન થાય. નીલગાય એ ગાય વર્ગનું પ્રાણી જ નથી. એ તો કાળિયાર અને ચિંકારા જેવી હરણની એક પ્રજાતિ છે. હિંદુ સમાજમાં રોજડાંને ધાર્મિક રક્ષણ મળી રહે, એ અર્થે કોઇ મુસ્લિમ બાદશાહે નીલ ની પાછળ ગાય ઉમેરીને તેને અવધ્ય ઠરાવી દીધેલ છે. જે તે વર્ગના પ્રાણીની માદાનું ઋતુમાં આવવું અને એના જ વર્ગના નર પ્રાણીનું તેના તરફ આકર્ષણ થવું-અને ફાલુ થવાનો પ્રયત્ન થવો તે બધા આવેગો કુદરત પ્રેરિત હોય છે ભલા ! કુદરતની અવજ્ઞા કરી માણસ સિવાય કોઇ જીવ નિયમ બારો  વ્યવહાર કરતાં ભળાતો નથી.
[6] નર પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઇએ એટલે એ નર ઝાડને પણ ફળો લાગવા માંડે છે =
          હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઇંડા મૂકવાનું કામ માત્ર રાણીમાખી જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે. પણ જ્યારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ ક્યારેક ઇંડાં મૂકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનતી નથી. કંઇક એમ જ.......
         નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લાગતાં નથી. પણ જ્યારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઇએ, ત્યારે એને ઇજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઇ જાય છે, અને અકાળે મૃત્યુ આવી જશે એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે અરેરે ! બચ્ચાં [બિયાં] પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?” એટલે નર ફૂલોની વચ્ચે માદા ફૂલો ખિલવા માંડે છે.અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાએલાં ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર-ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિએ સૌ જીવોમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદમ્ય ઇચ્છા મૂકી છે તે આના પરથી સાબિત થાય છે.
[7] મીઠી લીમડીને છાશ પાવાથી તે જલ્દી મોટી થાય છે.=
         સાચી વાત છે. કારણ કે છાશ એ સજીવ ટોનિક છે. એ એક પ્રકારના હોર્મોંસનું પણ કામ કરે છે.છાશ એ જમીન અંદરના બેક્ટેરિયાને ઉત્તેજિત કરી વધુ સક્રિય બનાવતી હોવાથી છોડને જરૂરી પોષકદ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળવા માંડતા વિકાસ વધારે થાય છે. માત્ર મીઠી લીમડીને જ નહીં, કોઇ પણ ઝાડ-છોડને છાશ પાવામાં આવે તો તે ઉત્તમ ખાતર જેટલો ગુણ દેખાડી ફાલ સુધ્ધાંમાં લાભ દેખાડે છે. માત્ર આ છાશ હોવાનો ચમત્કાર નથી પણ સજીવ ટોનિક હોવાનો બધા જ ઝાડવાઓને લાગુ પડતો ચમત્કાર છે.
[8] ઘઉંની વાવણી કરનાર જણને ખ્યાલ ન રહે તેમ બિયારણના જથ્થામાંથી થોડા ઘઉં ચોરીલઇ, તેની લાપસી બનાવાય તો ઘઉંનો તે ઘેરો  ખૂબસારો ઉતારો લે છે =  જોજો અત્યારના સમયમાં રખે બિયારણ ચોરી-લાપસી બનાવવાની ભૂલ કરતા ! કારણ કે અત્યારનું બિયારણ કોઇ ઝેરી દવા ભેળવ્યા વિનાનું હોવાનું જ નહીં ! બાકી આ માન્યતાનો અર્થ એવો થાય કે ખેડુતો ઘર-ઘરાઉ બીજ રાખી બળદના દંતાળથી અને જાતે બિયારણ હાથથી ઓરીને વાવણી કરતા, ત્યારે બીજના જથ્થામાં થી કોઇ થોડા ઘઉં ચોરી જાય, એનો ખ્યાલ પણ એને જ ન રહે એવા વાવણી કરવામાં પૂરા એકાગ્ર હોય ! તેની નજર આસપાસ શું બની રહ્યું છે, કે કોની અવર જવર ચાલુ છે ?’ તેમાં ન હોય ! પણ યોગ્ય ઊંડાઇએ જ બીજ પડે છેને ? મૂઠીમાંથી બીજ બરાબર માપસર સરકે છેને ? પાછળ બિયાં ખુલ્લાં તો નથી રહી જતાંને ? વગેરે બાબતોની ચિવટ રાખી વાવણી ઉત્તમ કેમ થાય ?’ બસ, તેમાં જ વ્યસ્ત અને મસ્ત હોય તેને ક્યાંથી ખબર હોય કે બિયારણના ઢગલા પાસે કોણ આવ્યું તેની ? એટલે જેની વાવણી ઉત્તમ એનું ઉત્પાદન અઢળક મળે જ ! એટલે એ દ્રષ્ટિએ આ કહેતી સાચી ગણાય. દિલ રેડીને જે કામ થાય, એની ભાત્ય જુદી પડે જ મિત્રો ! અને હા...હો ! એક શક્યતા બીજી એ ખરી કે વાવનારો ઘઉં બહુ ઘાટા વાવી દે, તો છોડ ફૂટ્ય ખૂબ ઓછી લે અને પૂરા પહટે પણ નહીં ! એટલે થોડાક ઘઉં ચોરી લીધા હોય, તો એટલું તો માપે બીજ વવાયને ? એટલે માપ બારું બીજ વાવતો રોકવા આ યુક્તિ કદાચ લડાવી હોય !
[9] લીંબુડીના ખામણામાં મરી ગયેલું કુતરું દાટીએતો લીંબુડીને ફાલ વધુ લાગે છે =
         સાવ સાચી વાત છે ભાઇ ! માત્ર લીંબુડી જ નહીં, પણ કોઇપણ ફળઝાડ- આવા કુતરાના દેહમાંથી સડીને ખાતર બની ગયેલ સેંદ્રીય પદાર્થ જેને ખાવા મળે, તે એનો બદલો બળુકો જ આપી જાણે ! પણ એ ખાડો છીછરો નહીં, થોડો ઉંડો કરી, એમાં દાટી, ઉપર બરાબર માટી દાબી દેવી. જેથી તેની દુર્ગંધ ન આવે. બાકી કોઇપણ જીવંત વસ્તુના અવશેષો : વાળ,ચામડું, માંસ, હાડકાં વગેરે કોહવાયા પછી જે ખાતર તૈયાર થાય, તે બહુ કસદાર હોવાનું. પરિણામે એનો લાભ લેનાર ઝાડ બળુકું જ થવાનું. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના મારા અભાસકાળમાં આવા મરેલાં કુતરાં-મીંદડાં શોધી શોધી મોસંબીનાં ખામણાંમાં અમે દાટી દેતા અને મોસંબીનો ઉત્તમ ફાલ મેળવતા તેનો જાત અનુભવ લીધેલો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો