સોમવાર, 12 જાન્યુઆરી, 2015

આપણા પછી – ખેતીમાં આપણા અનુગામી કોણ ?



“ તમે બાપા ખેતી તો ખરાખરની જમાવી હતી. બળદિયાની બે બે જોડી, ચચ્ચાર દુજાણાં, કૂવા, પાઇપલાઇનો, મશીનો, ખેતીના સાધનો, મકાનો, સાથી-દાડિયા અને તમારી માણકી ઘોડી-બધું સંકેલાઇ ગયું ? અઢાર જણા તો એકચૂલે રાંધી ખાતા હતા ત્યાં તમે બે ડોહલા જ રહ્યા ? કેમ તમારા પછી તમારી આ ખેતીને આવીને આવી જીવતી રાખી શકે અને રસથી સંભાળી શકે તેવો તમારો જણ તમે તૈયાર ન કર્યો ? ” આવો સવાલ મેં જેમની ખેતી જોઇ “વાહ ભૈ વાહ !” કહેવાઇ જતું એવા ખેતી ની સાથે ઓતપ્રોત થઇ ગયેલા જેટલા જેટલાને પૂછ્યો છે,તે બધામાંથી 80 ટકાના જવાબો એવા મળ્યા છે કે “ મારી તો હજૂએ ઘણી ઇચ્છા છે કે મારા પછી મારો એકાદ દીકરો, અને એ નહીં તો એનો એકાદ દીકરો-આ ખેતી સંભાળવા આવી જાય. પણ મારાબેટા કોઇ આ બાબતે કાનહોરો જ દેતા નથી ને ! કોણ જાણે કેમ પણ ખેડ્યથી બધા આઘા જ ભાગે છે.” અને વાત ખરેખર સાચી છે હો ! સામાન્યરીતે આજે ગામડામાં મોટાભાગના ખેડૂત કુટુંબોમાં દાદા-દાદીનું એક જોડકું ગામ માહ્યલી મકાન-મિલ્કત અને સીમ અંદરના ખેતર-વાડી સાચવીને બેઠું છે. ખેતર-વાડીનું કામકાજ કોઇને ભાગમાં આપી દઇ,આંટોફેરો મારે છે અને બાર મહિને ભાગિયા દ્વારા જે કંઇ ઉપજ મળે ન મળે તેને “માંગલિક” માની હાશકારો અનુભવે છે. જે આંગણે બેબે ભેંશો દૂજતી અને ગાયના ગોધલા તેના જનમથી જ ઉછેરાતા ત્યાં દૂધ કળશ્યામાં વેચાતું અને છાશ તપેલીમાં માગી લાવી ચા-પાણી અને બપોરા-વાળુનું રોડવી લે છે. પોતાને દુઝાણું રાખવું મહેનત કરવા બાબતે સાલ્ય સામે એમ નથી. કારણકે બેમાંથી એકેયથી હવે શરીરશ્રમ થાય તેમ નથી. જો હજુ થોડા વરસો ખેતી પ્રત્યે આવીનેઆવી અવહેલના કરવામાં આવશે તો આવતા વરસોમાં માત્ર જમીનના માલિક બની રહેવું હશે તો પણ મજૂરોને-બાર મહિને વાડી-ખેતરમાં જે કંઇ ઉપજ આવે તે એની, અને વાડીએ વસીરહી, મિલ્કત સાચવવાના જ તે કહે તેટલા રૂપિયા ઉપરિયામણ આપવાના આવશે.જે વ્યવસાય પેઢીઓથી ખેડૂત કુટુંબોની આજીવિકાનું સંતોષપ્રદ સાધન રહ્યું છે તે ખેડૂતોના હાથમાંથી ક્યારે સરકી જશે તેનો ખ્યાલ ખુદ તેમને પણ રહેવાનો નથી, એવું ભયંકર સ્વપ્નું મારી નિંદ હરામ કરી રહ્યું છે. પ્રશ્ન મારે આમને કરવો છે = ભલેને હોય ગણ્યાગાંઠયા, પણ જે ખેડૂતો ખેતી વ્યવસાયને ખૂબ ઊંડાણથી સમજીને તથા તેમાં દિલનો રંગ રેડીને કરી રહ્યા છે, ખેતીમાં કરવામાં આવતા જરૂરી કામોની સાથેસાથે આ કુદરત સંચાલિત ખેતી અભિગમ પ્રત્યેની એક નિષ્ઠા, અને એના પ્રત્યે તાદાત્મ્યભાવ જે દેખાડી રહ્યા છે, ખેતી એક પાયાનો અને પ્રામાણિક ધંધો છે તેવું પામી શક્યા છે, અને ખેતીમાં ઊભા થતાં સાંપ્રત પડકારો સામે સલુકાઇથી રસ્તાઓ શોધી, પ્રમાણમાં ઘણૂં અને ગુણવત્તામાં પણ ઉત્તમ એવું ઉત્પાદન મેળવવા મથી રહ્યા છે અને ખેતીને જે રીતે જીવતી રાખી રહ્યા છે. સાથેસાથે શ્રમ, સાદગી અને સ્વતંત્રતા વાળું ઊંચા મસ્તકે જીવન જીવી રહ્યા છે અને બીજા કેટલાય ધંધાર્થી ભાઇઓને ધડારૂપ હુંફ પૂરી પાડી રહ્યા છે તેવા ચુનંદા મરજીવાઓના હદય સુધી પહોંચી એમની પાસેથી તટસ્થ ભાવે વિગત જાણવી છે કે તેમના પછી તેમનો આ ધંધાકીય કારભાર સદાબહાર ચલાવી શકે તેવો અનુગામી કોઇ તૈયાર કરી વાળ્યો છે ? કે હવે પછી તૈયાર કરવાની પેરવી માં છે ? આ બાબતે ન જ વિચાર્યું હોય તો આ ધંધાને આપણા પછી શું કોઇ વેચી મારવાના મૂડમાં છીએ કે વીંખી નાખવાની ગણતરી છે ? કંઇક તો આયોજન હશે જ ને 1 ‘કામ’નહીં પણ ‘ફરજ’ નો જ એક ભાગ = એક વાત તો નક્કી જ છે કે બીજા ઘણાબધાની જેમ આપણે ખેતી છોડી ભાગ્યા નથી. જે કંઇ પરિસ્થિતિઓ છે તેમાંથી કેમ રસ્તો કાઢવો તેની મહેનત લીધી છે. અને મહેનતના પ્રમાણમાં ઠીક ઠીક એવા પરિણામ પણ મેળવ્યા છે. બીજા ધંધાની જેમ ‘ખેતી’ પણ કરવા જેવો વ્યવસાય છે તેવું ચિત્ર ઉપસાવી શક્યા છીએ ત્યારે ભેગાભેગું આ ધંધો લાંબું જીવે એવું વિચારતા હોઇએ તો એક જાગૃત ખેડૂત તરીકે, જેમ વર્તમાન સમયના સંકટોમાં માર્ગ શોધન કરતા હોઇએ છીએ અને એની જાણ બીજાને પણ ઉપયોગી બને એ હેતુથી કરતા હોઇએ છીએ તેમ,ખેતી પર આવતા દિવસોમાં તોળાઇ રહેલ સંકટ અને ઊભા થનારા પ્રશ્નોમાં પણ આગોતરી ચિંતા સેવી,આવનારા દિવસો પણ સારી રીતે પસાર થાય તેવું વાતાવરણ ઘડવા અગાઉથી આયોજન આપણે જ નહીં કરીએ તો બીજું કોણ કરવાનું છે ભાઇ ! કોઇપણ શિક્ષણ-સંસ્થા તો જ એવું હીર કાયમ દેખાડી શકે જો સમયે સમયે તેના સંચાલનને લગતાં સક્ષમ અનુગામીઓ તૈયાર થતા રહે. ખેતીતો સંસ્થા સંચાલનથી પણ વધુ કુશળ એવા વ્યવસ્થાપકની માગ કરતી હોય છે.એટલે ‘અનુગામી’ તૈયાર કરવાની બાબત એમાત્ર અગત્યનું કામ નહીં પણ આપણી જવાબદારીવાળી ફરજ બનવી જોઇશે. ખેતીમાં ઊભાં કરેલાં મૂલ્યોનું બરાબર જતન કરીને એવી ખેતી કરી શકે કે જેથી કુદરતી સ્ત્રોતોનું ધોવાણ અટકે, માપસરના ખર્ચથી ઉત્પાદન પણ સારું અને નરવ્યું, વાપરનારને પણ સુખાકારી બને તેવું મેળવે.પોતે સુખી અને સમૃધ્ધ થાય અને રાષ્ટ્રને પણ બનાવે તેવા બાહોશ અનુયાયીઓ નહીં ઊભાકરીએ તો આપણે કંઇ ‘અમરપટો’ લઇને તો આવ્યા નથી જ ! એક દિવસ આપણું શરીર પણ થાકવાનું જ છે.અને આજ-કાલ કરતા આપણોયે સમય પૂરો થઇ જશે-આ કામ ક્યાંક બાકી ન રહી જવા પામે તેય જોવું જોઈશે ને ? બહુ અગત્યના છે ‘વારસો’ અને ‘વાતાવરણ’ = સુથાર-લુહારનં બાળકો નાની એવી છીણી-હથોડી લઈ કંઇ પતરાં-ચૂંકું કાપતાં, વાંકુ સીધું કરતાં અને કુંભાર હોય તો માટીના અલગ અલગ ઘાટના લોટક્યા, તાવડી, ભંભોટિયા, કોડિયાં બનાવતાં ભળાશે. દરજીનાં બાળકો કાતર લઈ કટ કટ કાગળ-કાપડનાં જુદાં જુદાં ઝબલાં-ટોપી વેતરવાનું, અને ઓડ-કડિયાનાં બાળકો માટી-ગારા સાથે ઘર ચણવાની મહેનત લેતાં ભળાશે. તમે બરાબર નિરીક્ષણ કરજો ! બાળકો ખેડૂતના હોય તો બે છોકરા [જાણે જે બળદિયા] ને એક એક હાથના કાંડે દોરી બાંધી, એક લાકડીના કટકાનો એક એક છેડો [ધૂંસરી બનાવી] પકડાવી, વધુ જીવરો એક છોકરો ‘ખેડૂત’ બની એ બન્નેની સળોંઢ દોરી [રાશ] પોતે પકડી “ હાલોમારા બાપલા ! હારો મારા ધોળિયા-કાળિયા ! અરે, વળ…… વળ.....પાધરો.....પાધરો” બોલતા ‘ગોધલા-ખેડૂ’ની રમત રમતા નિહાળશો જ ! બાળકોની રમતમાં તેમના કુટુંબનાં ધંધાનું આબેહુબ પ્રતિબિંબ એટલા માટે જોવા મળતું હોય છે કે તેને જન્મજાત સંસ્કારો આ વ્યવસાયના મળેલા છે આપણે ‘ટપાકા’નું નહીં-‘રોટલા’નું કામ છે = એટલે જ્ઞાતિ ગમે તે હોય, પણ જો ખેતી કરતા કુટુંબમાં જન્મેલ અને ઉછરેલ વ્યક્તિ આપણા વારસદાર તરીકે પસંદ થાય તો કાર્યકુશળતા વધારે ઝડપથી સાબિત કરી શકે.અને એ જો નાની ઉંમરથી ખેતીમાં રસ ધરાવતી વ્યક્તિ હોય તો તેને કોલેજ કક્ષા સુધી ખેતીવાડીનો અભ્યાસ કરાવવાની તક ઊભી કરાય તો તો સોનામાં સુગંધ મળ્યા જેવું થાય ! ‘વારસો’ અને ‘વાતાવરણ’ બન્નેનો એને મેળ પડી જાય ! એટલે આપણો નાનોભાઇ, દીકરો કે દીકરાનો દીકરો, અરે ! સબંધીમાંથી કોઇ જેના માવતર ખેતી કરતા હોય તેવો જણ ખેતી કરવા રસ દેખાડે તો એના જેવું રૂડું બીજું એકેય નથી. પણ......ખાટલે મોટી ખોટ એ પડવા માંડી છે કે તેના આ ‘પાયા’ જ નબળા પડવા માંડ્યા છે.ખેડૂતના છોકરા ‘ખેડૂત’ થવામાં રાજી નથી ત્યારે ખેતીનો આ વારસો સંભાળશે કોણ ? જે ગાયો ચરાવે તે ગોવાળ =આમ ગણો તો ચોરાનો વંશ કદિ જતો નથી ! કહે છે કે કોઇના વિના કોઇનું અટકી પડતું નથી. સમય સમયનું કામ કરે જ છે. પણ આવનારા દિવસોમાં ગમે તેવા ‘અણઘડ’ના હાથમાં સુકાન જઇ પડે અને નાવ કિનારે પહોંચવાને બદલે ભૂંડાઇની મધદરિયે વમળમાં ફસાય તેના કરતા પહેલેથી જ ગણતરી પૂર્વકનું આયોજન કરી યોગ્ય વ્યક્તિના હાથમાં ખેતી સોંપી હોય તો ધંધાને ધૂણીધૂણીને માથા પછાડવાનો વારો ન આવે. એટલે હવે આપણા પછી આપણો નાનોભાઇ કે દીકરો જ ધંધો સંભાળનાર હોય તે જરૂરી નથી. તે હોય તો વધુ સારું. પણ માનોકે તેને કોઇનેઆ ધંધામાં રસ ન હોય તો કંઇ વાંધો નહીં. જેને રસ પડે છે તેવા, જ્ઞાતિ ભલેને એક્સ-વાય-ઝેડ ગમેતે ધરાવતા હોય, ન સબંધી હોય કે ન ઓળખિતા સ્નેહી હોય, પણ તેની સારી અને ધંધાના વારસદાર તરીકેની જે યોગ્યતા ગણાય તેવી યોગ્યતા હોય તથા ધંધાને સમજી શકે અને તેને જીવાડી શકે તેમ હોય તેના હાથમાં સોંપવો જોઇએ. આપણે થર્મોમીટર મૂકવાનું છે એના દિલ પર’ બગલમાં કે મોંમાં નહીં ! ખેતીની યોગ્ય જાણકારીની સાથે સાથે થડકારા ભળે છે તેના હદયના, ધંધા સાથેના લગાવના ! તો બસ, ખેતીમાં આવતા સાંપ્રત પડકારો અને તેના ઉકેલના કાર્યક્રમો કે પધ્ધતિઓ તેને શોધતી સામેથી આવી મળવાની. એવા પ્રશ્નો એને હવે નહીં મુંઝવી શકવાના ! એના નિરાકરણો પોતાની કોઠાસૂઝમાંથી કાયમ જડતા રહેવાના ! એટલે આપણી ચિંતા હવે સમજોને એટલી થઇ રહે હળવી !