મંગળવાર, 12 જૂન, 2012

હીરજીભાઇ અને ગોદાવરીબહેનનાં પુસ્તકો


                 [1]  ખેતી કરીએ ખંતથી શ્રેણી અંવયે....12 પુસ્તિકા
                    
                    સંપુટ; 1 પ્રેરણા, ઝીણા જીવો અને સજીવખેતી
                              [1] ખેતી; દિલડાનો રંગ
                              [2] ઝીણાં જીવડાંની મોટી મહેર
                              [3] સજીવખેતી; વિચારથી વ્યવહાર તરફ
                   
                    સંપુટ; 2 જમીન, પાણી અને સાચવણ
                             [1] જમીન; પાકનું ભાણું
                             [2] પાક-પાણીને ન્યારો સંબંધ
                             [3] વાડી, મોલ અને માલ, રખોપાથી ન્યાલ
                  
                   સંપુટ; 3 વ્યવસ્થાપન, કુનેહ અને કોઠાસૂઝ
                            [1] જમીનમાં દટાએલા ધનની તરકીબથી શોધખોળ
                            [2] ખેતીમાં કુનેહી કામગીરી
                            [3] કોઠાસૂઝના કીમિયા
                 
                    સંપુટ; 4 ગોપાલન, બાગાયત અને વેલીવૃક્ષો
                           [1] બેલડાનું બીજું ભાંડરડું-ગોપાલન
                           [2] વૃક્ષો આપણાં કમાઉ ભાંડરડાં
                           [3] ખેડૂતોના સાથી-સેવક વેલી-વૃક્ષો

                ઉપરનાં પુસ્તકોનું વિતરણ આ ત્રણ સ્થળોથી થશે.

જતન ટ્ર્સ્ટ                    રવિકૃપા ટ્રસ્ટ                     હીરજીભાઇ ભીંગરાડિયા
વિનોબા આશ્રમ ગોત્રી         લોકવિજ્ઞાન કેંદ્ર લોકભારતી       પંચવટી બાગ    
વડોદરા;390021               સણોસરા ; 364230             માલપરા ; 364730
ફોન-0265-2371429          મો.9426461277                મો. 9327572297
















                  [2] હીરજીભાઇ અને ગોદાવરીબહેનનાં અન્ય પુસ્તકો

[1] બોલકી વાડીનો સજીવ સંસાર..........................જતન ટ્રસ્ટ પ્રકાશન  વડોદરા
[2] પાણી- પ્રશ્ને દેખાડીએ આપણું પાણી.................જતન ટ્રસ્ટ પકાશન  વડોદરા
[3] કેરડે ફૂટ્યાં ફૂલ .......................લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ પ્રકાશન સણોસરા
[4] સફળ ખેડૂતનાં સાત પગલાં.........................  કૃષિ વિજ્ઞાન પ્રકાશન રાજકોટ
[5] આપણો ખેતીસંગ...........................................કૃષિ વિજ્ઞાન પ્રકાશન રાજકોટ

[6] ખેતી; પ્રેમ અને કુનેહ...............................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[7] વૃક્ષો ખેડૂતોના કમાઉ કંધોતર...................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[8] જમીન એક ખજાનો.................................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[9] સજીવખેતી અને તેનું વિજ્ઞાન...................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[10] પાણી, મોલ ને માલ રખોપાથી ન્યાલ......ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[11] ખેતીમાં કોઠાસૂઝ અને ગોપાલન...............ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ

[12] ખેતીમાં મનોમંથન અને કૌશલ્યો...................જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[13] કૃષિરથનાં પૈડાં બે, જમીન અને પાણી’……જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[14] ઝાડ, છોડ ને ગાય ખેડૂતોના જાય-ભાઇ.......જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[15] પાકને રક્ષતાં પાંખાળાં..................................જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા


ઉપરના પુસ્તકો માટે સંપર્ક .......
                   જે-તે પુસ્તકના પ્રકાશકશ્રી અને હીરજીભાઇ ભીંગરાડિયા
                              

મંગળવાર, 22 મે, 2012

ટુંકી વિગત [બાયોડેટા]


નામ હીરજીભાઇ ભીખાભાઇ ભીંગરાડિયા
સરનામું પંચવટીબાગ મુ. માલપરા તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર [પી.364730]
જન્મ તારીખ 20-9-1945     ટેલીફોન [02847] 283621  મોબાઇલ 93275 72297
અભ્યાસ કૃષિ સ્નાતક  [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- B R S  -1965 ]
વ્યવસાય   ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા   ખેતીની શરૂઆત 1965 થી.....હાલ શરૂ છે.

વ્યવસાય યુનીટની વિગત -
વાડીનું નામ પંચવટી બાગ       ક્ષેત્રફળ 40 એકર         પિયત વિસ્તાર 40 એકર
પિયતની પધ્ધતિ 1987 [25 વરસ] થી લગાતાર ટોટલ જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિ
વાડી પર થઇ રહેલા કાર્યક્રમો અને પ્રયોગો
            [1] સજીવ ખેતી
            [2] પર્યાવરણીય ફળવૃક્ષો, ઇમારતી વૃક્ષો, શાકભાજી, અનાજ તથા રોકડિયા પાકોના વાવેતર તથા પ્રયોગો
            [3] પાણી બચાવ-સંગ્રહ-[ખેત તલાવડી] રીચાર્જ-જળવપરાશ [ડ્રીપ]અને મલ્ચિંગની વ્યવસ્થિત કામગીરી
            [4] ગીર ગાયોનો ઉછેર ,દૂધની ખેતી, ગાયોના માધ્યમથી સેંદ્રીય ખાતર બનાવવાના વ્યવહારુ ઉપાયો
            [5] સૂર્યપ્રકાશ ની ખેતી / પર્યાવરણીય સુરક્ષા/ અળસિયાં ઉછેર/ અને મધુપાલન
            [6] જમીન ધોવાણ અટકાવી સંરક્ષણ-સુધારણા- ગોબરગેસપ્લાંટ અને ફળદ્રૂપતાના કાર્યક્રમોનો અમલ
            [7] ઔષધીય પાકોનો વસવાટ/ વાડી ફરતી જીવંતવાડ તથા પિંઝરપાકો ને આવકાર  

વાડીપરના સફળ-નિષ્ફળ પ્રયોગોની વાત અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાના કરાએલા પ્રયત્નો
[1] પંચવટી બાગ પર ખેડૂતોને બોલાવીને વાડીપરનિદર્શનો,પ્રદર્શનો,મીટીંગો,સેમીનારો,વ્યક્તિગતમુલાકાતો ગોઠવીને
[2] બહારનાકાર્યક્રમોમાં હાજરી આપીને કૃષિ કોલેજો,કૃષિમેળાઓ,ખેતી સેમીનારોમાં ખેડૂતમંડળો સાથે સંવાદ કરીને
[3] આકાશવાણી દ્વારા- આકાશવાણી રાજકોટ ગામનોચોરોવિભાગ દ્વારા  વિવિધ પાસાઓના  17  વકતવ્યો અપાયાં
[4] સેટકુ-કૃષિગોષ્ટિ -  ઇસરો અ.વાદ તથા ગાંધીનગરથી બાગાયતી ખેતી અને પાણીના કાર્યક્ષમ ઉપયોગના સબંધે                   
                          ત્રણ લાઇવ કાર્યક્રમો પ્રસારિત થયા.
[5] ટેલીવીઝન દૂરદર્શન અ.વાદ, ગિરનાર-રાજકોટ, અને ઇ,ટીવી દ્વારા સજીવખેતી, બાગાતતીખેતી,  શાકભાજીની     
                            ખેતી ના 6 કાર્યક્રમો પ્રસારિત થયા.
[6] લખાણ દ્વારા -  [અ] મેગેઝીન થકી કૃષિવિજ્ઞાન, ખેતીનીવાત,ખોડલધામસ્મૃતિ,પરિસર,લોકસરવાણી, કૃષિજીવન,     
         કોડિયું, જલજીવન, ખારાશસંવાદ, સમાજસુવાસ, ઉમિયાપરિવાર, ગુ.બાગાયતવિકાસમાં  200 લેખોની પ્રસિધ્ધિ
[બ]  અખબાર સંદેશતથા ફૂલછાબમાં 100 જેટલાં અને કોમોડિટીવર્લ્ડમાં દર અઠવાડિયે લેખ-કોલમ ચાલુ છે
[7] પુસ્તિકાઓ પ્રસિધ્ધ કરીને -  પ્રસિધ્ધ થયેલાં પુસ્તકોની યાદી અલગથી આપી છે.
[8] નર્સરી અને બીજ-પ્લોટ દ્વારા સૂકા વિસ્તારના ફળવૃક્ષોના રોપ-કલમો ને ઉત્તમબીજની વ્યાજબી ભાવથી વહેંચણી





  બજાવાય રહેલ સામાજિક કર્તવ્ય ફરજ - સેવાઓ

                      ચોસલા ગ્રામપંચાયતના સરપંચ તરીકે  ------11 - વરસ
                      ચોસલા ગામ સેવા સહકારી મંડળીના પ્રમુખ 4  - વરસ
                      ગુજરાત બાગાયત વિકાસ પરિષદ ઉપ પ્રમુખ-10 વરસ
                      સરદાર સંશોધન એવોર્ડ પસંદગી કમીટી સભ્ય-..2 વરસ
     ચાલુ કામગીરી
                      વાત્સલ્યધામ ટ્રસ્ટ માલપરામાં મેનેજીંગ ટ્રસ્ટી     પ્રમુખ
                      સ્વાશ્રય કૃષિ આહાર પરિવાર ...... ............. ઉપ પ્રમુખ
                      કૃષિ વિકાસ મંડળ ગઢડા ............................... .... પ્રમુખ
                      લોક સેવક સંઘ થોરડી...................................ઉ પ પ્રમુખ
                      વાત્સલ્યધામ સર્વોદય યોજના માલપરા ...માનદ સંચાલક

સમાજે કરેલી કદર

1992 શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન ઝાડનાં પારખાં ફળ પરથી ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન લોકભારતી સણોસરા
1993 - ધરતી પુત્ર એવોર્ડ ખેતીક્ષેત્રે  નવિનતમ પ્રયોગો અને વિસ્તરણસ્નાતક મિત્રમંડળ ભાવનગર
1994 ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ ખેતીમાં ટપક સિંચાઇ પધ્ધતિની પહેલ- ગુ,રાજ્ય અને રાજ્ય સહકારી બેંક
1996 કૃષિ પથદર્શક એવોર્ડ બાગાયતી ખેતી, નવિનતમ પ્રયોગો ફૂલછાબ અને ગુજરાત સરકાર
1998 સરદાર-કૃષિ સંશોધન એવોર્ડ [51000 રુ]સૂકા વિસ્તારમાં ફળવૃક્ષોનું સફળ વાવેતર -ગુજરાત સરકાર
1999 કૃષિ સેવા એવોર્ડ કૃષિમાં નવા સંશોધનો  - વેસ્ટર્ન એગ્રી સીડ્ઝ અને માનવસેવા ટ્રસ્ટ બગસરા
2005 બલરામ એવોર્ડ કૃષિ સાહિત્ય અને નવા અભિગમો ભારતીય કિસાન સન્ઘ અમદાવાદ
2005 સ્વામી નારાયણ સન્માન કૃષિક્ષેત્રે અનેકવિધ સિધ્ધિઓ સ્વામી નારાયણ ગૂરુકૂળ ઢસા
2006 લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ ખેતીમાં સક્રિયતા, ખેડૂતોને નવી દિશાના રાહબર એગ્રીલેંડ નેટવર્ક
2008 વિશિષ્ટ વ્યક્તિ સન્માન ખેતીના નવિનતમ આયામો રાષ્ટ્રિય પર્વ ઉજવણી-ગુજરાત સરકાર  ગઢડા
2008 પ્રાણવાન કિસાન દંપતિ ગોપાલન અને સજીવખેતીમાં જીવંતતા જળક્રાંતિટ્રસ્ટ રાજકોટ
2008 સૃષ્ટિ સન્માન અનુભવ આધારિત વિશિષ્ઠ લેખનશૈલી, સજીવખેતીના પ્રયોગો.- સૃષ્ટિ સંસ્થા અમદાવાદ
2009 કૃષિના ઋષિ માઇક્રોઇરીગેશન, અને સજીવખેતી -  ગુજરાત રાજ્ય અમદાવાદ
2009 F.G.I  Awards for EXCELLENCE ” ખેતી વિકાસમાં વિશિષ્ટ કામગીરી ફેડ.ઓફ ગુજ.ઇન્ડ.વડોદરા
2012 नवोन्मेषी कृषक सम्मान नवोन्मेषी कृषि तकनीकियांका विकास,भारतीय कृषि अनुसंधान संस्थान
                                                                            नई दिल्ली                                     

કૃષિ પ્રયોગશીલતાનું સન્માન


[ઇંડીયન એગ્રીકલ્ચરલ રીસર્ચ  ઇંસ્ટીટ્યુટ ન્યુ દીલ્હી દ્વારા ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ-2011-12 મેળવનારશ્રી હીરજીભાઇએ એવોર્ડ સ્વીકારતી વેળાએ ખેડૂતો અને વિજ્ઞાનીઓ સાથે આપલે કરીને સન્માનનો જે પ્રતિભાવ તા-3-3-12 ના રોજ ન્યૂ દિલ્હી મુકામે આપ્યો હતો તેનો સાર અહીં ગૌરવસહ રજુ કરીએ છીએ-તંત્રી –“કોડિયું ]
માનનીય...શ્રી પ્રમુખ મહોદય,આ.શ્રી શર્મા સાહેબ,આ.મંચસ્થ મહાનુભાવો અને આ દેશની ખેતીનેઆધુનિક બનાવવા મથી રહેલા “IARI”  સંકુલના સૌ કાર્યકર્તા ભાઇ બહેનો તથા મારા વ્હાલા ખેડૂત ભાઇ-બહેનો અને મુરબ્બીઓ !
      હું હીરજી ભીંગરાડિયા ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ગામડાના ખેડૂત કુટુંબનું સંતાન હોવાથી મારો ઉછેર  પ્રકૃતિના ખોળે થયો. વળી ધરતી, પાણી, વનસ્પતિ, ગાયો, જીવડાં અને પશૂ-પક્ષીઓ- બધાની વચ્ચેના સહવાસ ના હિસાબે મને મળેલ કૃષિનો જન્મજાત વારસો માત્ર ધંધા પૂરતો જ નહીં પણ-જીવન જીવવાની એક પધ્ધતિ સમાન હતો.
     મેં શિક્ષણ લીધું, પ્રખર કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ અને મનુભાઇ પંચોળી-[દર્શક] ની ગુજરાતમાં આવેલી વિશ્વ વિખ્યાત ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં. આ વિદ્યાપીઠ તો ગાંધી વિચાર અને નયી તાલીમને વરેલી સંસ્થા. ભારતનું હદય ગામડું છે, ભારતને સમૃધ્ધ કરવો હોય તો ગામડાં પહેલાં સમૃધ્ધ કરવા પડે. અંધારામાં પડેલા ગામડાને શોધી, તેમાં પડેલા હીરને અજવાળવાનું કામ, અભણ અને રાંકડી પ્રજાને શિક્ષિત કરવાનું કામ, અન્યાયનો સામનો કરતા થાય તેવા નિર્ભય બનાવવાનું કામ, અરે ! ગામડાં જેના પર નિર્ભર છે એવા પાયાના વ્યવસાય ખેતી અને ગોપાલનનું મહત્વ સમજાવવાનું કામ આજે પણ અહીં થઇ રહ્યું છે.
      લોકભારતીના શિક્ષણ દ્વારા, ગુરુજનો સાથેના સહવાસ દ્વારા,તેમના વક્તવ્યો અને લખાણો દ્વારા,મેં જાણ્યુંકે ઓહો  ! ખેતી એ તો છે ઇકોફ્રેંડલી-ઋષિ ખેતી વ્યવસાય ! પૂરો પ્રમાણિક, એક પણ પૈસાનું ખોટું કરવાની વાત જ જેમાં આવે નહીં એવો-કરવા જેવો વ્યવસાય ! વળી સ્વદેશી અને પૂરો સ્વાવલંબી ! સરદાર પટેલે તો કહ્યું હતું કે આ ધરતી પર છાતી કાઢીને ચાલવાનો અધિકાર જો કોઇને હોય તો તે ધરતીની ધૂળમાંથી ધાન્ય પકાવી સમાજને ચરણે ધરનાર ખેડૂતને છે. અન્ય ઉદ્યોગ ધંધાઓ પૈસા રળી આપે છે, ગૌણ સગવડોની ચીજો બનાવી આપે છે પણ તેનાથી પેટનો ખાડો પૂરી શકાતો નથી. એટલે જ તો ખેડૂતને જગતાત-અન્નદાતા જેવું બિરૂદ અપાયું છે. ગુજરાતના અર્વાચીન યુગના આદિકવિ દલપતરામે પણ ગાયું હતું કે હે ખેડૂત ! તું ખરે જગતનો તાત ગણાયો, આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો. મહર્ષિ ટોલસ્ટોય અને ખૂદ મહાત્મા ગાંધીએ પણ ખેડૂતનું જીવન એ જ શ્રેષ્ઠ જીવન  કહ્યું છે.
       તો હું તો જન્મેય ધરતીપુત્ર-ખેડૂતનો જ છોરું ! મને તો ખેતી પ્રત્યેનો પ્રેમ અને લાગણી ગળથુથીમાં મળ્યાં છે ! હું શા માટે ખેતી ન કરું ? મારા મનમાં પ્રથમથી જ અંકુરિત થઇરહેલી ઉત્તમખેતી કરવાની ઇચ્છાને પુષ્ટિ આપવાનું બળ લોકભારતીના શિક્ષણે પૂરું પાડ્યું. આપને જણાવું કે ગ્રેજ્યૂએશનનું ફાઇનલ રીજલ્ટ હજુ બાકી હતું ત્યાં બે જગ્યાએથી સર્વીસ માટેના એપોઇમીંટલેટર મળી ગયા હતા. અરે ! એ વખતની ખેતી આજનાજેવી રળાઉ પણ નહોતી. કૈંક મુંઝવણો અને આંટીઘુંટીઓની લાગેલી લાંબી લાઇન હોવા છતાં મારે તો ખેતી કરવી છે .....નહીં.નહીં, માત્ર કરવી જ છે એમ નહીં, પણ કરી દેખાડવી છે એવો દ્રઢ નિર્ણય મેં લીધો
     લોકભારતીના કૃષિશિક્ષણ દ્વારા મારામાં અભ્યાસુ મનોવૃતિનો પ્રવેશ તો થઇ ચૂક્યો હતો. એટલે મેં સ્વિકારેલ આ ખેતી વ્યવસાયને ઊંડાણથી સમજવાના પ્રયત્નો શરુ કર્યા. અને જાણ્યું કે ખેતી એતો સજીવો અને કુદરતી પરિબળો વચ્ચે ગુંથાએલો વ્યવસાય છે ભાઇ !-જમીન, પાણી, પોષણ, બીજ, આબોહવા અને સંરક્ષણ-ગણાય બધા જ પાયાના પરિબળ, પણ પૂરે પૂરા કુદરત પર આધારિત ! અને કુદરતની સામે પડ્યે કંઇ સારા પરિણામ થોડા મળે ? એમાં તો નક્કી હાર જ થાય ! એટલે પરિણામ સારું મેળવવું હોય તો કુદરતની સાથે સુમેળ સાધતા રહેવું પડે, એની સામે વાદ-વિવાદ નહીં પણ સંવાદ સાધતા સાધતા જો કાર્યક્રમો ગોઠવ્યા હોય તો  એની મદદગારી પણ મેળવી શકાય તેવું મને સમજાયું.અનેકુદરત સાથે બાથ ભીડીને નહીં પણ એના તાલમાંતાલમેળવીનેખેતીકરવીએવીમેંપોલીસીનક્કીકરી લીધી.
     હવે મને ખેતીના તમામ ક્ષેત્રના વિજ્ઞાનને સમજવાનીજરૂરિયાત દેખાઇ.મેં મારી અવલોકનશક્તિ વિકસાવી.જમીન,                  
એના ગુણધર્મો, એમાં રહેલ બેક્ટેરિયા, જમીનની ફળદ્રૂપતા, પાકને ભાવતા તત્વો, એમાં ભેજની આવશ્યકતા, પાકમાં ભમતી જીવાતો, ખેતીમાંથી નીકળતી આડપેદાશો, એનો ઉપયોગ કરી ધરતીને કસ પૂરો પાડે તેવું ગોબર, પાકસંરક્ષણમાં ઉપયોગી ગોમૂત્ર અને માનવ-ખોરાકમાં ઉપયોગી એવું ઉત્તમ દૂધ પુરૂં પાડતી ગાયો ! આ બધું વિચારતા વિચારતાં...... ખેતીનું એક અખંડ દર્શન લાધ્યું. ખેતીમાં કોઇ એક પરિબળનું નહીં, પણ જમીન, પાણી, આબોહવા, છોડવા, ઝાડવા, જીવડા, જાનવરો અને પંખીઓ બધાનું યોગદાન રહેલું છે. કોઇને બાદ રાખીને નહીં, કોઇની સામે પડીને પણ નહીં, પણ સૌનો સાથ લઇ, એકબીજા સાથે અનૂકુલન સાધી આગળ વધાશે તો જ સફળ રહેવાશે એવો પ્રકૃતિનો કહોને સમગ્રતાનો મનથી સ્વિકાર કર્યો.
         મિત્રો ! મુરબ્બીઓ ! મેં ખેડૂતનું જીવન સ્વિકાર્યું-એનો અર્થ એવો તો નથીને કે મારે અને મારા કુટુંબીજનોને ગરીબાઇમાં જ સબડ્યા કરવું ? હરગીઝ નહીં ! શું ખેડૂત થયા એટલે પોતાને કોઇ હોંશ, કોઇ શોખ, બાળકોનું સારું શિક્ષણ કે આરોગ્યની ઉત્તમ સેવાઓનો અધિકાર ચાલ્યો જાય ? શું ખેડૂતને ક્યાંય બહાર હરવા-ફરવા કે જોવા-સમજવાના ખર્ચા નહીં કરવાના ?  મારે અને મારા પરિવારને સુખી-સમૃધ્ધ જીવન જીવવાની હોંશ હતી. એટલે મેં સંભાળેલ વ્યવસાયમાંથી જરૂરી નાણાં કમાઇ લેવા કમર કસી. મારી ખેતીને એક પ્રોડકટીવ, અરે ! વાયેબલ યુનીટ બનાવવા મેં આધુનિક ખેતી વિજ્ઞાનની ભેર લેવાનું વિચાર્યું અને એ દિશામાં પ્રયત્નો આદર્યા.
       હું કૃષિ યુનીવર્સીટીઓમાં ભમ્યો, કૃષિના વિજ્ઞાનીકોને મળ્યો. ખેતી વિજ્ઞાનના સાહિત્યને ઢંઢોળ્યું, આંખ-કાન ખુલ્લા રાખી જ્યાંથી મળે ત્યાંથી નવીવાત,પધ્ધતિ, બિયારણ નુસ્ખા શોધી શોધી મારા ફાર્મપર પ્રયોગો હાથ ધર્યા.અને ખેતીમાંજ રોજબરોજ સામે આવતી રહેતી સમસ્યાઓના મારી કોઠાસુઝ અને હૈયા ઉકલતથી ઉકેલ શોધતો રહ્યો અને ફળદાયી પરિણામ મેળવતો રહ્યો.
       સજીવખેતી, ગીરગાય ઉછેર, મધુપાલન અને અળસિયાંઉછેરની સાથોસાથ પર્યાવરણસુરક્ષા,ધાન્ય અને ફળપાકોનું સંવર્ધન, શાકભાજીમાં અનેક યુક્તિઓ, અરે ! માત્ર બુધ્ધિના ઉપયોગથી, એકપણ પૈસાના વધારાના ખર્ચ વિના  દુધીમાં અઢીગણું વધારે ઉત્પાદન- પંચવટીબાગનો રોજીંદો ક્રમ બન્યા છે.
        જમીનધોવાણમુક્તિ, તેનું સંરક્ષણ, ગોબરગેસપ્લાંટ, લીલો પડવાસ, લેગ્યુમબેક્ટેરિયા, મિશ્રપાક, પાકની ફેરબદલી અને ચીકણી જમીનમાં રેતી ઉમેરણના પ્રયોગો, ફળદ્રૂપતાને શિરમોર બનાવતા કાર્યક્રમો સાબિત થયા છે. વરસાદી પાણીનું વાડીમાં જ રોકાણ અને તળમાં રીચાર્જ, ખેતતળાવડી, વાણીની જેમ વિવેકસભર પાણીના કાર્યક્ષમ ઉપયોગ અર્થે છેલ્લા 25 વરસોથી 40 એકરનો આખો પંચવટીબાગ ટપક સિંચાઇ પધ્ધતિને સોંપ્યો છે.વાત કરું તમને ! વાડી આવી છે કાળુભાર ડેમના કાંઠાપર. પાવા ધારીએ તો બે-ત્રણ નાકે 100 વિઘાની વાડી રેળ પાણીથી પાઇ શકાય તેવી સગવડ છે. પણ પાણી તો રાષ્ટ્રિય સંપતિ છે જરૂર ન હોય તો તેનો બગાડ થોડો કરાય ? જ્યાં 3 લીટરની જરૂર હોય ત્યાં 3 લીટર અને જ્યાં 300 ની જરૂર હોય ત્યાં એટલું જોખી જોખીને પવાય છે. બપોરના ખરા મધ્યાંન્હે આવીને મારી વાડીના છોડવા ઝાડવાને પૂછી જોજો ! આપને જવાબ મળશે અમેતો બહુ મજામાં છીએ કહો ! તમે કેમ છો ? મારી જેમ તમો પણ એની ભાષા સમજવા માંડશો તો એબધા બીજીયે ઘણી વાતો તમારી સાથે કરવા લાગી જશે.
             સૂર્યપ્રકાશનો ખેતીમાં વધુમાં ઉપયોગ કરવાના પ્રયોગો, જીવંતવાડ અને એના દ્વારા પંખીઓ અને જીણા જીવડાઓ થકી ખેતીપાકના થઇ રહેલા રખોપાં ! કઇ વાત કરું અને કઇ ના કરું ? છેલ્લે ગયા વરસે એની બહુચર્ચિત મગફળીની ખેતી જોવા ચીન ગયો હતો. બહુ જીણવટથી બધું જાણ્યું અને બસો ઉપરાંત ફોટા પાડ્યા. ત્યાંનુ હવામાન, એની ફળદ્રૂપ જમીન, ત્યાનું સ્પેશ્યલ બિયારણ વગેરે તો અહીં ન લાવી શકાય પણ ખેતી કરવાની એની નવતર પધ્ધતિનો તો અમલ કરી શકાય ને ? પંચવટી બાગમાં એનો અખતરો કર્યો . ચાઇના પધ્ધતિ, આપણી ચીલાચાલુ પધ્ધતિ અને એક બન્નેના વચગાળાની મારી પોતાની કોઠાસુઝની પધ્ધતિ-ત્રણ પધ્ધતિથી મગફળી ઉગાડી. તો ચીલાચાલુ પધ્ધતિમાં એકરદીઠ 800 કીલો અને ચાઇનાપધ્ધતિ દ્વારા 1540 કીલો ઉત્પાદન મેળવી શક્યો હતો.
          ખેતી એતો કુદરતના સતત સાન્નિધ્ય વાળો  કુદરતની વચાળે જ રહીને કરાતો  અને પળે પળે પરિવર્તન પામતો  વ્યવસાય છે ભાઇ ! જ્યારે જેની જરૂર પડી તેવા હાથવગા ઉપાયો લીધા છે. પસંદગીથી તૈયાર કરેલાં દેશી બીજ પણ વાવ્યાં છે અને હાઇબ્રીડ, બીટી, અને ટીસ્યુકલ્ચર જેવા નવા વિજ્ઞાનને પણ આવકાર્યું છે વડિલો ! વિવેકપૂર્ણ રીતે બહુથોડા રસાયણોને પણ અનિવાર્ય અનિષ્ટ તરીકે ક્યારેક ક્યારેક ઉપયોગમાં લીધા છે. આમતો ભરપૂર રીતે સેંદ્રીય ખાતર અને ગૈમૂત્રના છંટકાવ પર મને વધુ ભરોસો બેઠો છે. અળસિયાંયે પાળ્યાં છે અને જરૂર પડ્યે ટ્રેકટર-હારવેસ્ટરને પણ ઉપયોગમાં લીધા છે. પરિણામ એ આવ્યું છે કે ખેતી આર્થિક રીતે સધ્ધર થઇ છે. એ રીતે કહેવું હોય તો કહી શકું કે હું ખેતીમાં સફળ રહ્યો છું. ખેતીમાં કદિ કંટાળો આવ્યો નથી. અફસોફ થયો નથી. એક લગાવથી,રસથી, શોખથી,પ્રેમથી  ખેતીમાં કાયમ આનંદ માણ્યો છે.
        ઉપલબ્ધી રૂપે [1] મને જીવનનું સાચું-ઓરીજનલ-સુખ મળ્યું છે. જીવનનો આનંદ પામ્યો છું. એક નમૂનેદાર ખેડૂતની ઓળખ ઉભી કરી શક્યો છું એનું મને ગૌરવ છે. [2] ખેતીમાંથી જરૂર પૂરતું કમાઇને મારા કુટુંબને સંતોષ આપી શક્યો છું. [3] અને અત્યંત નમ્રતા પૂર્વક કહુ છું કે મારી વાડી-પંચવટીબાગ માત્ર આવક-ઉપાર્જનનું સાધન નથી પણ મારા સમગ્ર શિક્ષણે કંડારી આપેલ જીવન માર્ગ છે. પંચવટીબાગ એ સમગ્ર ખેડૂત આલમ માટે એક રોલમોડેલ બન્યો છે. જ્યાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂત તાલીમ વર્ગના તાલીમાર્થીઓ, એન.જી.ઓ ની કૃષિવિંગના મુલાકાતીઓ  અને મહિલા મંડળો  પર્યાવરણવાદી મહાનુભાવો, કૃષિ ના વિજ્ઞાનીઓ અને અભ્યાસુ આગંતુકોની 6-7 હજાર જેવી સંખ્યામાં આવન જાવન રહે છે.અને કંઇકને કંઇક ઉપયોગી વાત સાથે લઇનેજાય છે એનો મને સંતોષ છે.
      શરૂમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ,સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.હવે કેટલીય સ્વેચ્છિક સંસ્થાઓના ટ્રસ્ટી, પ્રમુખ તરીકે ફરજ બજાવવાનું ચાલુ છે.આવા સામાજિક કાર્યો કરવાં તેનેમારી ફરજ સમજુંછું
         ગ્રામ વિદ્યાપીઠ લોકભારતીથી તો એવા સંસ્કાર મળેલા છે કે દુ;ખ વહેંચવાથી ઘટે છે અને સુખ વહેંચવાથી વધે છે. એ ન્યાયે વર્ષોના અનુભવે ખેતી કરતા કરતા જે કંઇ પાસ-નાપાસના પરિણામો મળ્યાં છે તેના પરથી અન્ય ધંધાર્થીઓ ધડો લઇ શકે એ વાસ્તે સુખ વહેંચણીના પ્રયત્નો આદર્યા. જેમ કે......
[1] વાડીપર જ નિદર્શનો,પ્રદર્શનો, મીટીંગો,ચર્ચા સભાઓ, રાખી સફળ પ્રયોગોની વિગતોથીસૌનેમાહિતગાર કરતો રહુછું
[2] બહારના કાર્યક્ર્મો-ખેડૂતસેમિનાર, કૃષિમેળા,કૃષિ યુની.ના કાર્યક્રમો વગેરેમાં વ્યાખ્યાનો આપવાનું બને છે.
[3] આકાશવાણી રાજકોટ-ગામનોચોરો માંખેતીના વિવિધ વિષયો પર 17 જેટલાં વાર્તાલાપો આપ્યા છે.
[4] સેટકુ કૃષિગોષ્ટિ, અને દૂરદર્શન,ગિરનાર અને ઇટીવી પર કેટલાક કાર્યક્રમ રજૂ કરાયા.
[5] દૈનિક પત્રો અને કૃષિમેગેજીનોમાં 200 ઉપરાંતના લખાણો પ્રસિધ્ધ થયાં
[6] અનુભવ આધારિત કૃષિ વિષયક 25 જેટલી પુસ્તિકાઓ પ્રસિધ્ધ કરી છે. જે પ્ર્ત્યક્ષ કાર્યાનુભવનો નીચોડ હોઇ ગુજરાતના પ્રબુધ્ધ મહાનુભાવો ઉપરાંત સામાન્ય ખેડૂત આલમને પણ ઉપયોગી જણાઇ છે.
         અને વડિલો ! મારા આ કામની કદર રૂપે સમાજે, સરકારે, કૃષિ યુનીવર્સીટીઓએ, અને સામાજિક સંસ્થાઓએ, અનેક સ્વરૂપે કદર કરી ધરતી પુત્ર એવોર્ડ, કૃષિ પથ દર્શક એવોર્ડ, F.G.I.એવોર્ડ ફોર એક્સેલંસ, સૃષ્ટિ સન્માન પદક. પ્રાણવાન કિસાન-દંપતિ સન્માન, જેવા 15 જેટલાં એવોર્ડ અને સન્માન આપીને મારાકામમાં બળ પૂર્યું છે.
        આજ એવી જ કદર રૂપે અહીં I.A.R.I. સંસ્થા અને સંચાલકો તરફથી  માનનીય શ્રીસોમપાલ શાસ્ત્રીજીના વરદ હસ્તે મને ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ-2011-12 મેળવવા સદભાગી બનાવ્યો છે.
      મિત્રો ! મુરબ્બીઓ ! વ્હાલા ખેડૂત બંધુઓ ! કહેવાનું તાતપર્ય એ છે કે આ સન્માન મારું એકલા હીરજી ભીંગરાડિયાનું નહીં, મારા દ્વારા આપણા સહુનું , કૃષિ અને કૃષિક્ષેત્રે સંઘર્ષરત ખેતીના મુંઝારાઓમાંથી માર્ગ શોધવા મથનારા સૌ ખેડૂત સંશોધકોનું સારાએ દેશના ખેડૂતોનું સન્માન થયું છે.  
          આ સન્માન એ રીતે સ્વિકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. સન્માનિત કરનારા આપ સૌ વડિલો, આઇ,એ.આર.આઇ.ના વડા આદરણીય ડૉ શર્મા સાહેબ, અને સૌ અધિકારી ગણ તથા મુરબ્બીઓ અને મિત્રોને મારા કામથી સંતોષ મળે તેવું કામ કરવાનું પ્રભુ મનેબળઆપો. આપસૌ વડિલોના આશિર્વાદ મારાપરઉતરો !અસ્તુઆભાર !                                                                                   

રવિવાર, 22 એપ્રિલ, 2012

વાહ ! ઝાડવું એક અને થડિયાં અનેક !


     માત્ર ચૂલો, કડાઇ,તાવેથો અને તાપની ગોઠવણ કર્યે  શીરો બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો  કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .
     મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે - ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું  સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડિખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !
  દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા  ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય એ ચૂસનારા મૂળિયાં જ જો  માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?  
        ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .
        એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ?  યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા ! થડિયાની આસપાસ પાર વિનાની એની વડવાઇઓ જોવા મળશે.       
 આ વડવાઇઓ શું છે ?  વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ  અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા-પારખવું અઘરું થઇ પડતું હોય છે.
  ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને કલમ ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.
 રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠાપર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા એમનેએમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.
 આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને  વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.
 શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય  બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે. તમે પણ પ્રયોગ કરી જોજો અને પરિણામ કેવું મળે છે તેની અન્યને જાણ કરશો ! સુખ તો વહેંચવાથી જ વધે ને !