મંગળવાર, 22 મે, 2012

કૃષિ પ્રયોગશીલતાનું સન્માન


[ઇંડીયન એગ્રીકલ્ચરલ રીસર્ચ  ઇંસ્ટીટ્યુટ ન્યુ દીલ્હી દ્વારા ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ-2011-12 મેળવનારશ્રી હીરજીભાઇએ એવોર્ડ સ્વીકારતી વેળાએ ખેડૂતો અને વિજ્ઞાનીઓ સાથે આપલે કરીને સન્માનનો જે પ્રતિભાવ તા-3-3-12 ના રોજ ન્યૂ દિલ્હી મુકામે આપ્યો હતો તેનો સાર અહીં ગૌરવસહ રજુ કરીએ છીએ-તંત્રી –“કોડિયું ]
માનનીય...શ્રી પ્રમુખ મહોદય,આ.શ્રી શર્મા સાહેબ,આ.મંચસ્થ મહાનુભાવો અને આ દેશની ખેતીનેઆધુનિક બનાવવા મથી રહેલા “IARI”  સંકુલના સૌ કાર્યકર્તા ભાઇ બહેનો તથા મારા વ્હાલા ખેડૂત ભાઇ-બહેનો અને મુરબ્બીઓ !
      હું હીરજી ભીંગરાડિયા ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ગામડાના ખેડૂત કુટુંબનું સંતાન હોવાથી મારો ઉછેર  પ્રકૃતિના ખોળે થયો. વળી ધરતી, પાણી, વનસ્પતિ, ગાયો, જીવડાં અને પશૂ-પક્ષીઓ- બધાની વચ્ચેના સહવાસ ના હિસાબે મને મળેલ કૃષિનો જન્મજાત વારસો માત્ર ધંધા પૂરતો જ નહીં પણ-જીવન જીવવાની એક પધ્ધતિ સમાન હતો.
     મેં શિક્ષણ લીધું, પ્રખર કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ અને મનુભાઇ પંચોળી-[દર્શક] ની ગુજરાતમાં આવેલી વિશ્વ વિખ્યાત ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં. આ વિદ્યાપીઠ તો ગાંધી વિચાર અને નયી તાલીમને વરેલી સંસ્થા. ભારતનું હદય ગામડું છે, ભારતને સમૃધ્ધ કરવો હોય તો ગામડાં પહેલાં સમૃધ્ધ કરવા પડે. અંધારામાં પડેલા ગામડાને શોધી, તેમાં પડેલા હીરને અજવાળવાનું કામ, અભણ અને રાંકડી પ્રજાને શિક્ષિત કરવાનું કામ, અન્યાયનો સામનો કરતા થાય તેવા નિર્ભય બનાવવાનું કામ, અરે ! ગામડાં જેના પર નિર્ભર છે એવા પાયાના વ્યવસાય ખેતી અને ગોપાલનનું મહત્વ સમજાવવાનું કામ આજે પણ અહીં થઇ રહ્યું છે.
      લોકભારતીના શિક્ષણ દ્વારા, ગુરુજનો સાથેના સહવાસ દ્વારા,તેમના વક્તવ્યો અને લખાણો દ્વારા,મેં જાણ્યુંકે ઓહો  ! ખેતી એ તો છે ઇકોફ્રેંડલી-ઋષિ ખેતી વ્યવસાય ! પૂરો પ્રમાણિક, એક પણ પૈસાનું ખોટું કરવાની વાત જ જેમાં આવે નહીં એવો-કરવા જેવો વ્યવસાય ! વળી સ્વદેશી અને પૂરો સ્વાવલંબી ! સરદાર પટેલે તો કહ્યું હતું કે આ ધરતી પર છાતી કાઢીને ચાલવાનો અધિકાર જો કોઇને હોય તો તે ધરતીની ધૂળમાંથી ધાન્ય પકાવી સમાજને ચરણે ધરનાર ખેડૂતને છે. અન્ય ઉદ્યોગ ધંધાઓ પૈસા રળી આપે છે, ગૌણ સગવડોની ચીજો બનાવી આપે છે પણ તેનાથી પેટનો ખાડો પૂરી શકાતો નથી. એટલે જ તો ખેડૂતને જગતાત-અન્નદાતા જેવું બિરૂદ અપાયું છે. ગુજરાતના અર્વાચીન યુગના આદિકવિ દલપતરામે પણ ગાયું હતું કે હે ખેડૂત ! તું ખરે જગતનો તાત ગણાયો, આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો. મહર્ષિ ટોલસ્ટોય અને ખૂદ મહાત્મા ગાંધીએ પણ ખેડૂતનું જીવન એ જ શ્રેષ્ઠ જીવન  કહ્યું છે.
       તો હું તો જન્મેય ધરતીપુત્ર-ખેડૂતનો જ છોરું ! મને તો ખેતી પ્રત્યેનો પ્રેમ અને લાગણી ગળથુથીમાં મળ્યાં છે ! હું શા માટે ખેતી ન કરું ? મારા મનમાં પ્રથમથી જ અંકુરિત થઇરહેલી ઉત્તમખેતી કરવાની ઇચ્છાને પુષ્ટિ આપવાનું બળ લોકભારતીના શિક્ષણે પૂરું પાડ્યું. આપને જણાવું કે ગ્રેજ્યૂએશનનું ફાઇનલ રીજલ્ટ હજુ બાકી હતું ત્યાં બે જગ્યાએથી સર્વીસ માટેના એપોઇમીંટલેટર મળી ગયા હતા. અરે ! એ વખતની ખેતી આજનાજેવી રળાઉ પણ નહોતી. કૈંક મુંઝવણો અને આંટીઘુંટીઓની લાગેલી લાંબી લાઇન હોવા છતાં મારે તો ખેતી કરવી છે .....નહીં.નહીં, માત્ર કરવી જ છે એમ નહીં, પણ કરી દેખાડવી છે એવો દ્રઢ નિર્ણય મેં લીધો
     લોકભારતીના કૃષિશિક્ષણ દ્વારા મારામાં અભ્યાસુ મનોવૃતિનો પ્રવેશ તો થઇ ચૂક્યો હતો. એટલે મેં સ્વિકારેલ આ ખેતી વ્યવસાયને ઊંડાણથી સમજવાના પ્રયત્નો શરુ કર્યા. અને જાણ્યું કે ખેતી એતો સજીવો અને કુદરતી પરિબળો વચ્ચે ગુંથાએલો વ્યવસાય છે ભાઇ !-જમીન, પાણી, પોષણ, બીજ, આબોહવા અને સંરક્ષણ-ગણાય બધા જ પાયાના પરિબળ, પણ પૂરે પૂરા કુદરત પર આધારિત ! અને કુદરતની સામે પડ્યે કંઇ સારા પરિણામ થોડા મળે ? એમાં તો નક્કી હાર જ થાય ! એટલે પરિણામ સારું મેળવવું હોય તો કુદરતની સાથે સુમેળ સાધતા રહેવું પડે, એની સામે વાદ-વિવાદ નહીં પણ સંવાદ સાધતા સાધતા જો કાર્યક્રમો ગોઠવ્યા હોય તો  એની મદદગારી પણ મેળવી શકાય તેવું મને સમજાયું.અનેકુદરત સાથે બાથ ભીડીને નહીં પણ એના તાલમાંતાલમેળવીનેખેતીકરવીએવીમેંપોલીસીનક્કીકરી લીધી.
     હવે મને ખેતીના તમામ ક્ષેત્રના વિજ્ઞાનને સમજવાનીજરૂરિયાત દેખાઇ.મેં મારી અવલોકનશક્તિ વિકસાવી.જમીન,                  
એના ગુણધર્મો, એમાં રહેલ બેક્ટેરિયા, જમીનની ફળદ્રૂપતા, પાકને ભાવતા તત્વો, એમાં ભેજની આવશ્યકતા, પાકમાં ભમતી જીવાતો, ખેતીમાંથી નીકળતી આડપેદાશો, એનો ઉપયોગ કરી ધરતીને કસ પૂરો પાડે તેવું ગોબર, પાકસંરક્ષણમાં ઉપયોગી ગોમૂત્ર અને માનવ-ખોરાકમાં ઉપયોગી એવું ઉત્તમ દૂધ પુરૂં પાડતી ગાયો ! આ બધું વિચારતા વિચારતાં...... ખેતીનું એક અખંડ દર્શન લાધ્યું. ખેતીમાં કોઇ એક પરિબળનું નહીં, પણ જમીન, પાણી, આબોહવા, છોડવા, ઝાડવા, જીવડા, જાનવરો અને પંખીઓ બધાનું યોગદાન રહેલું છે. કોઇને બાદ રાખીને નહીં, કોઇની સામે પડીને પણ નહીં, પણ સૌનો સાથ લઇ, એકબીજા સાથે અનૂકુલન સાધી આગળ વધાશે તો જ સફળ રહેવાશે એવો પ્રકૃતિનો કહોને સમગ્રતાનો મનથી સ્વિકાર કર્યો.
         મિત્રો ! મુરબ્બીઓ ! મેં ખેડૂતનું જીવન સ્વિકાર્યું-એનો અર્થ એવો તો નથીને કે મારે અને મારા કુટુંબીજનોને ગરીબાઇમાં જ સબડ્યા કરવું ? હરગીઝ નહીં ! શું ખેડૂત થયા એટલે પોતાને કોઇ હોંશ, કોઇ શોખ, બાળકોનું સારું શિક્ષણ કે આરોગ્યની ઉત્તમ સેવાઓનો અધિકાર ચાલ્યો જાય ? શું ખેડૂતને ક્યાંય બહાર હરવા-ફરવા કે જોવા-સમજવાના ખર્ચા નહીં કરવાના ?  મારે અને મારા પરિવારને સુખી-સમૃધ્ધ જીવન જીવવાની હોંશ હતી. એટલે મેં સંભાળેલ વ્યવસાયમાંથી જરૂરી નાણાં કમાઇ લેવા કમર કસી. મારી ખેતીને એક પ્રોડકટીવ, અરે ! વાયેબલ યુનીટ બનાવવા મેં આધુનિક ખેતી વિજ્ઞાનની ભેર લેવાનું વિચાર્યું અને એ દિશામાં પ્રયત્નો આદર્યા.
       હું કૃષિ યુનીવર્સીટીઓમાં ભમ્યો, કૃષિના વિજ્ઞાનીકોને મળ્યો. ખેતી વિજ્ઞાનના સાહિત્યને ઢંઢોળ્યું, આંખ-કાન ખુલ્લા રાખી જ્યાંથી મળે ત્યાંથી નવીવાત,પધ્ધતિ, બિયારણ નુસ્ખા શોધી શોધી મારા ફાર્મપર પ્રયોગો હાથ ધર્યા.અને ખેતીમાંજ રોજબરોજ સામે આવતી રહેતી સમસ્યાઓના મારી કોઠાસુઝ અને હૈયા ઉકલતથી ઉકેલ શોધતો રહ્યો અને ફળદાયી પરિણામ મેળવતો રહ્યો.
       સજીવખેતી, ગીરગાય ઉછેર, મધુપાલન અને અળસિયાંઉછેરની સાથોસાથ પર્યાવરણસુરક્ષા,ધાન્ય અને ફળપાકોનું સંવર્ધન, શાકભાજીમાં અનેક યુક્તિઓ, અરે ! માત્ર બુધ્ધિના ઉપયોગથી, એકપણ પૈસાના વધારાના ખર્ચ વિના  દુધીમાં અઢીગણું વધારે ઉત્પાદન- પંચવટીબાગનો રોજીંદો ક્રમ બન્યા છે.
        જમીનધોવાણમુક્તિ, તેનું સંરક્ષણ, ગોબરગેસપ્લાંટ, લીલો પડવાસ, લેગ્યુમબેક્ટેરિયા, મિશ્રપાક, પાકની ફેરબદલી અને ચીકણી જમીનમાં રેતી ઉમેરણના પ્રયોગો, ફળદ્રૂપતાને શિરમોર બનાવતા કાર્યક્રમો સાબિત થયા છે. વરસાદી પાણીનું વાડીમાં જ રોકાણ અને તળમાં રીચાર્જ, ખેતતળાવડી, વાણીની જેમ વિવેકસભર પાણીના કાર્યક્ષમ ઉપયોગ અર્થે છેલ્લા 25 વરસોથી 40 એકરનો આખો પંચવટીબાગ ટપક સિંચાઇ પધ્ધતિને સોંપ્યો છે.વાત કરું તમને ! વાડી આવી છે કાળુભાર ડેમના કાંઠાપર. પાવા ધારીએ તો બે-ત્રણ નાકે 100 વિઘાની વાડી રેળ પાણીથી પાઇ શકાય તેવી સગવડ છે. પણ પાણી તો રાષ્ટ્રિય સંપતિ છે જરૂર ન હોય તો તેનો બગાડ થોડો કરાય ? જ્યાં 3 લીટરની જરૂર હોય ત્યાં 3 લીટર અને જ્યાં 300 ની જરૂર હોય ત્યાં એટલું જોખી જોખીને પવાય છે. બપોરના ખરા મધ્યાંન્હે આવીને મારી વાડીના છોડવા ઝાડવાને પૂછી જોજો ! આપને જવાબ મળશે અમેતો બહુ મજામાં છીએ કહો ! તમે કેમ છો ? મારી જેમ તમો પણ એની ભાષા સમજવા માંડશો તો એબધા બીજીયે ઘણી વાતો તમારી સાથે કરવા લાગી જશે.
             સૂર્યપ્રકાશનો ખેતીમાં વધુમાં ઉપયોગ કરવાના પ્રયોગો, જીવંતવાડ અને એના દ્વારા પંખીઓ અને જીણા જીવડાઓ થકી ખેતીપાકના થઇ રહેલા રખોપાં ! કઇ વાત કરું અને કઇ ના કરું ? છેલ્લે ગયા વરસે એની બહુચર્ચિત મગફળીની ખેતી જોવા ચીન ગયો હતો. બહુ જીણવટથી બધું જાણ્યું અને બસો ઉપરાંત ફોટા પાડ્યા. ત્યાંનુ હવામાન, એની ફળદ્રૂપ જમીન, ત્યાનું સ્પેશ્યલ બિયારણ વગેરે તો અહીં ન લાવી શકાય પણ ખેતી કરવાની એની નવતર પધ્ધતિનો તો અમલ કરી શકાય ને ? પંચવટી બાગમાં એનો અખતરો કર્યો . ચાઇના પધ્ધતિ, આપણી ચીલાચાલુ પધ્ધતિ અને એક બન્નેના વચગાળાની મારી પોતાની કોઠાસુઝની પધ્ધતિ-ત્રણ પધ્ધતિથી મગફળી ઉગાડી. તો ચીલાચાલુ પધ્ધતિમાં એકરદીઠ 800 કીલો અને ચાઇનાપધ્ધતિ દ્વારા 1540 કીલો ઉત્પાદન મેળવી શક્યો હતો.
          ખેતી એતો કુદરતના સતત સાન્નિધ્ય વાળો  કુદરતની વચાળે જ રહીને કરાતો  અને પળે પળે પરિવર્તન પામતો  વ્યવસાય છે ભાઇ ! જ્યારે જેની જરૂર પડી તેવા હાથવગા ઉપાયો લીધા છે. પસંદગીથી તૈયાર કરેલાં દેશી બીજ પણ વાવ્યાં છે અને હાઇબ્રીડ, બીટી, અને ટીસ્યુકલ્ચર જેવા નવા વિજ્ઞાનને પણ આવકાર્યું છે વડિલો ! વિવેકપૂર્ણ રીતે બહુથોડા રસાયણોને પણ અનિવાર્ય અનિષ્ટ તરીકે ક્યારેક ક્યારેક ઉપયોગમાં લીધા છે. આમતો ભરપૂર રીતે સેંદ્રીય ખાતર અને ગૈમૂત્રના છંટકાવ પર મને વધુ ભરોસો બેઠો છે. અળસિયાંયે પાળ્યાં છે અને જરૂર પડ્યે ટ્રેકટર-હારવેસ્ટરને પણ ઉપયોગમાં લીધા છે. પરિણામ એ આવ્યું છે કે ખેતી આર્થિક રીતે સધ્ધર થઇ છે. એ રીતે કહેવું હોય તો કહી શકું કે હું ખેતીમાં સફળ રહ્યો છું. ખેતીમાં કદિ કંટાળો આવ્યો નથી. અફસોફ થયો નથી. એક લગાવથી,રસથી, શોખથી,પ્રેમથી  ખેતીમાં કાયમ આનંદ માણ્યો છે.
        ઉપલબ્ધી રૂપે [1] મને જીવનનું સાચું-ઓરીજનલ-સુખ મળ્યું છે. જીવનનો આનંદ પામ્યો છું. એક નમૂનેદાર ખેડૂતની ઓળખ ઉભી કરી શક્યો છું એનું મને ગૌરવ છે. [2] ખેતીમાંથી જરૂર પૂરતું કમાઇને મારા કુટુંબને સંતોષ આપી શક્યો છું. [3] અને અત્યંત નમ્રતા પૂર્વક કહુ છું કે મારી વાડી-પંચવટીબાગ માત્ર આવક-ઉપાર્જનનું સાધન નથી પણ મારા સમગ્ર શિક્ષણે કંડારી આપેલ જીવન માર્ગ છે. પંચવટીબાગ એ સમગ્ર ખેડૂત આલમ માટે એક રોલમોડેલ બન્યો છે. જ્યાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂત તાલીમ વર્ગના તાલીમાર્થીઓ, એન.જી.ઓ ની કૃષિવિંગના મુલાકાતીઓ  અને મહિલા મંડળો  પર્યાવરણવાદી મહાનુભાવો, કૃષિ ના વિજ્ઞાનીઓ અને અભ્યાસુ આગંતુકોની 6-7 હજાર જેવી સંખ્યામાં આવન જાવન રહે છે.અને કંઇકને કંઇક ઉપયોગી વાત સાથે લઇનેજાય છે એનો મને સંતોષ છે.
      શરૂમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ,સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.હવે કેટલીય સ્વેચ્છિક સંસ્થાઓના ટ્રસ્ટી, પ્રમુખ તરીકે ફરજ બજાવવાનું ચાલુ છે.આવા સામાજિક કાર્યો કરવાં તેનેમારી ફરજ સમજુંછું
         ગ્રામ વિદ્યાપીઠ લોકભારતીથી તો એવા સંસ્કાર મળેલા છે કે દુ;ખ વહેંચવાથી ઘટે છે અને સુખ વહેંચવાથી વધે છે. એ ન્યાયે વર્ષોના અનુભવે ખેતી કરતા કરતા જે કંઇ પાસ-નાપાસના પરિણામો મળ્યાં છે તેના પરથી અન્ય ધંધાર્થીઓ ધડો લઇ શકે એ વાસ્તે સુખ વહેંચણીના પ્રયત્નો આદર્યા. જેમ કે......
[1] વાડીપર જ નિદર્શનો,પ્રદર્શનો, મીટીંગો,ચર્ચા સભાઓ, રાખી સફળ પ્રયોગોની વિગતોથીસૌનેમાહિતગાર કરતો રહુછું
[2] બહારના કાર્યક્ર્મો-ખેડૂતસેમિનાર, કૃષિમેળા,કૃષિ યુની.ના કાર્યક્રમો વગેરેમાં વ્યાખ્યાનો આપવાનું બને છે.
[3] આકાશવાણી રાજકોટ-ગામનોચોરો માંખેતીના વિવિધ વિષયો પર 17 જેટલાં વાર્તાલાપો આપ્યા છે.
[4] સેટકુ કૃષિગોષ્ટિ, અને દૂરદર્શન,ગિરનાર અને ઇટીવી પર કેટલાક કાર્યક્રમ રજૂ કરાયા.
[5] દૈનિક પત્રો અને કૃષિમેગેજીનોમાં 200 ઉપરાંતના લખાણો પ્રસિધ્ધ થયાં
[6] અનુભવ આધારિત કૃષિ વિષયક 25 જેટલી પુસ્તિકાઓ પ્રસિધ્ધ કરી છે. જે પ્ર્ત્યક્ષ કાર્યાનુભવનો નીચોડ હોઇ ગુજરાતના પ્રબુધ્ધ મહાનુભાવો ઉપરાંત સામાન્ય ખેડૂત આલમને પણ ઉપયોગી જણાઇ છે.
         અને વડિલો ! મારા આ કામની કદર રૂપે સમાજે, સરકારે, કૃષિ યુનીવર્સીટીઓએ, અને સામાજિક સંસ્થાઓએ, અનેક સ્વરૂપે કદર કરી ધરતી પુત્ર એવોર્ડ, કૃષિ પથ દર્શક એવોર્ડ, F.G.I.એવોર્ડ ફોર એક્સેલંસ, સૃષ્ટિ સન્માન પદક. પ્રાણવાન કિસાન-દંપતિ સન્માન, જેવા 15 જેટલાં એવોર્ડ અને સન્માન આપીને મારાકામમાં બળ પૂર્યું છે.
        આજ એવી જ કદર રૂપે અહીં I.A.R.I. સંસ્થા અને સંચાલકો તરફથી  માનનીય શ્રીસોમપાલ શાસ્ત્રીજીના વરદ હસ્તે મને ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ-2011-12 મેળવવા સદભાગી બનાવ્યો છે.
      મિત્રો ! મુરબ્બીઓ ! વ્હાલા ખેડૂત બંધુઓ ! કહેવાનું તાતપર્ય એ છે કે આ સન્માન મારું એકલા હીરજી ભીંગરાડિયાનું નહીં, મારા દ્વારા આપણા સહુનું , કૃષિ અને કૃષિક્ષેત્રે સંઘર્ષરત ખેતીના મુંઝારાઓમાંથી માર્ગ શોધવા મથનારા સૌ ખેડૂત સંશોધકોનું સારાએ દેશના ખેડૂતોનું સન્માન થયું છે.  
          આ સન્માન એ રીતે સ્વિકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. સન્માનિત કરનારા આપ સૌ વડિલો, આઇ,એ.આર.આઇ.ના વડા આદરણીય ડૉ શર્મા સાહેબ, અને સૌ અધિકારી ગણ તથા મુરબ્બીઓ અને મિત્રોને મારા કામથી સંતોષ મળે તેવું કામ કરવાનું પ્રભુ મનેબળઆપો. આપસૌ વડિલોના આશિર્વાદ મારાપરઉતરો !અસ્તુઆભાર !                                                                                   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો