રવિવાર, 2 નવેમ્બર, 2014

અભિપ્રાય આપતા પહેલાં સાત ગળણે ગાળીએ



પ્રવેશ દ્વારે રજા સિવાય અંદર આવવાની મનાઈ છે એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી કર્મચારીની ઓફિસે, કે કોઇ માલેતુજાર શેઠિયાને બંગલે અચૂક ભળાય છે ત્યારે સમજી  જવાનું કે સીધા મળવા ગયે બહુ કામમાં ડૂબેલા હોઇ ડીસ્ટર્બ થવાનો સવાલ હશે તેમને. સીધા મળવા ગયે તેમને કંઇક તકલીફ જેવું જણાતું હશે તો જ આવું લખવું પડેને ? તેમની સાથે ખેડુતના રાત-દિનના સખત ઉદ્યમ વાળા અને કટોકટી વાળા સમયની ઉપસ્થિતિને સરખાવીએ, તો કોઇને સમય આપવાનો તેમને અવકાશ હોય ખરો ?  અરે ! કોઇ કોઇ વાર બેસીને નિરાંતે ખાવાનો પણ ગાળો નથી હોતો, તે છતાં તેમના બાગ-બગીચાના દરવાજે કે ખેતર-વાડીના શેઢે રજા સિવાય અંદર આવવું નહીં એવું લખાણ કોઇને વાંચવા મળ્યું હોય તો કહો !                                    
          ખેતી સિવાયના બીજા વ્યવસાયો બધા હોય છે વપરાશી ચીજ-વસ્તુઓની હેરાફેરી કરી, થોડી ગુપ્તતા રાખી, પૈસા રળી લેવાના. જ્યાં માત્ર પૈસા જ રળવાની  યુક્તિ-પ્રયુક્તિઓ કરાતી હોય ત્યાં બીજા બધાથી ઘણું યે છાનુંમાનું રાખવું પડે છે. એટલે જ કોઇ અંદર આવી, ત્યાં ઉપયોગમાં લેવાતી, બીજા બધાથી છુપાવી રાખવા જેવી ખાનગી-સરકારી કામગિરી કે પ્રોડક્શનની નવિનતમ ટેકનીક કે કોઇ તરકીબ, બીજા જોઇ-જાણી જાય અને વહીવટમાં કે વ્યવસાયમાં હરિફ બનવાની ઉપાધિ ઊભી કરે- તેમાંથી બચવા આવાં બોર્ડ લટકાવવાં પડતાં હોય તેવું જણાય છે.
  ખેતીની વાત જુદી છે = જ્યારે ખેતી એ માત્ર પૈસા રળવાનો નહીં, તમામ લોકો સાથે રહીને જીવન નિર્વાહ કરવાનો વ્યવસાય છે. ખેતી એ તો હંમેશા કૃપા વરસાવતી, કુદરત માતાના ખોળે ઝૂલતી, બીજા કોઇનાએ ભય કે સાડીબાર વિના પરસેવાની કમાણી દ્વારા મરદાનગીભર્યો પ્રમાણિક રોટલો રળવા સાથે અન્યની ભરણ-પોષણની ચિંતા સેવનારી જીવન પ્રણાલી છે ભૈલા ! એટલે છેતરામણથી કોઇનું પડાવી લેવાનું કે છાનું-છપનું રાખવા જેવી કોઇ વાત આમાં આવતી જ નથી. તેથી ખેતીમાં વધુ અન્ન-દાણાં, ફળ કે કઠોળ, દૂધ કે શાકભાજી વગેરે મેળવવાની કોઇ સારી રીત-પધ્ધતિ કે યુક્તિ કોઇના હાથમાં આવી હોય તો, તે બીજા ખેડુતને  જણાવવામાં મનને ચોરી તો  ન જ રખાય  ને ! સુખ તો વહેંચવાથી જ વધે છે એજ સંસ્કારસુત્ર ખેડુતની નસેનસમાં રૂધિર બની વહેવું જોઇએ.
ખેડુત, ખેડુતની વાત પહેલાં સ્વિકારે છે. = 20 વરસ પહેલાં જ્યારે પંચવટી બાગમાં આમળાંની ખેતી કરવાનું મન થયેલું ત્યારે આમળા વિષે જોવા-સમજવા આણંદની કૃષિ યુની.મા જઇ , એના બાગાયત વિભાગના વડા ડૉ. કે.પી.કીકાણી સાહેબને મળ્યો. કેંપસ પરના આમળાનાં ઝાડ, એને આવેલો ફાલ, એને અપાયેલી માવજત બધું જોયું-જાણ્યું. અમારે આમળાંનું વાવેતર જરૂર કરવું એવો કીકાણી સાહેબનો આગ્રહ જોઇ અમારુંયે મન વધ્યું. છતાં મનમાં એક ખચકાટ રહ્યા કરે કે  ભલા ! આ તો કૃષિની યુનીવર્સિટી છે, અહીં તો આ પ્રયોગની ખેતી ગણાય. એની પાછળ ખર્ચ ગમે તેટલો થાય-તો તે સંશોધનના હેડે નખાઇ જાય ! અમારે આવો ખર્ચ ફોગટ જાય તો ક્યા હેડે નાખવો ? આ માટે કોઇ ખેડુતની વાડી જોવી જોઇએ અને આર્થિક કસોટીમાં પાર ઉતરેલા કોઇ ખેડુતનો અભિપ્રાય જાણવો પડે ! તે પછી  અમે ઉતરસંડા અને નરસંડાના આમળાંના વાવેતર વાળા બગીચા જોયા, તેના ખેડુતોને મળ્યા અને તેમની પાસેથી આમળાંનું આર્થિક પાસું જાણ્યાં પછી જ આમળાંને પંચવટીબાગમાં પ્રવેશ કરાવ્યો. નહીં તો કીકાણી સાહેબ તો ડૉક્ટરેટ ડીગ્રી ધરાવતા અને ખેડુતોમાં ફળપાકોની ખેતી કેમ વધુ વિસ્તરે એના માટે તન-મન-ધનથી કાર્યશીલ એવા બાગાયત નિષ્ણાત હતા. તેમ છતાં માત્ર તેમના અભિપ્રાય ઉપર આગળ ન વધતા, આમળાંની પ્રત્યક્ષ ખેતી કરી રહેલા ખેડુતની વાતને આધારે આગળ વધ્યા. ખેડુતના તટસ્થપણે અપાએલા અભિપ્રાયનું વજન એટલું નક્કર હોય છે મિત્રો !
 આપણી નૈતિક ફરજ ન ભૂલીએ= આપણે જાણેલી ખેતીની કોઇ નવી રીત,પધ્ધતિ કે જેમાં અદ્યતન બિયારણ-દવા કે ખાતર-પોતર, એની પાછળ લાગેલી મજૂરી અને અન્ય ખર્ચ પછી એમાંથી મળેલ ઉત્પાદનના આંકડા બાબતે કોઇને વિગત જણાવવાની થાય ત્યારે બહુ જ તટસ્થ રહીને, આપણને જે અનુભવાયું હોય-જે કમાયા હોઇએ, અરે ! નુકશાન થયું હોય તો તે પણ જણાવવું એ આપણી નૈતિક ફરજ બને છે. કોઇને ઘીંહલાને માર્ગે તો ન જ ચડાવી દેવાયને !
      હમણાં થોડા દિ  પહેલાં ખેતીના એક ખૂબ રસિયા યુવાન ભેગા થઇ ગયા, અને સજીવખેતીમાં ઘઉં કેટલા ઉતરે, તેની વાત નીકળતાં મારો અનુભવ કહ્યો કે બધું સમુસુતરું હોય તો નાને વીઘે 35 થી 42 મણ જેવા ઉતરે છે. તેમણે મારી વાત કાપી નાખી- શું હીરજીભાઇ ! એવી તે કાંઇ સજીવખેતી કરાતી હશે ? આવો મારી સાથે જોવા ! ફલાણાભાઇ સજીવખેતી જ કરે છે, નાખી દેતા દેતાંય તમારાથી ત્રણગણા વધુ વીઘે ઉતારે છે બોલો ! શું કહેવું મારે ? અમારી જમીનની ફળદ્રુપતા, પાણીની સોઇ અને કદાચ માવજત ઓછી રહેતી હોય તો  35 થી 42 મણની જગાએ એમને થોડા વધુ ઉતરતા હશે, એની એ ના નથી પણ ત્રણગણા એટલે નાના વીઘે સવાસો મણનો ઉતારો ! અતિશયોક્તિનીયે કોઇ હદ હોયને ? દાર્શનિક પુરાવાની જગાએ આવા મૌખિક અભિપ્રાયો મોટાભાગે વાંજિયા રહી જાય એ ખેડુતોના હિતમાં છે. મેં જોયું છે કે સફળ ખેડુતો ઘણીવાર પોતાની ખેતીના ઉત્પાદનના આંકડા ઊંચા આપવામાં પોતાની મહત્તા મનાવતા હોય છે                
             અભિપ્રાયમાં  તટસ્થતાની દેખાતી ઉણપ
[1] પોતાની ચાવી બીજાને  ન બતાવનારાયે છે ! = વીસેક વરસ પહેલાંનો પ્રસંગ છે.-અમારા મોટાકાકાને વાડીએ લઇ જઇ મેં પૂછ્યું હતું કાકા ! કપાસને હવે પાણી પિવરાવવાનો  વખત થઇ ગયો ગણાય ને ?” તો કહે ના રે ના ! પાંચ-સાત દિવસ ખમી જાવ ! હજુ વહેલું પડશે,” મોટાકાકા તો ખેતીના પૂરા અનુભવી. મેં એમની વાત માની. પાંચ દિવસ પિયત આપવામાં મોડું કર્યું - ને કપાસ માળો લંઘાઇને સાવ વણાઇ ગયો ! હું તો ઉપડ્યો એ કાકાની વાડીએ. કાકા વાડીએ નહોતા.કામ કરનાર મજૂર એના કપાસમાં પાણી વાળતો હતો. કપાસનો ઘેરો તો સરસ કોળ્યમાં કલા કલા કરતો ભાળ્યો ! મજૂરને પુછ્યું પાણી કે દિ  શરુ કર્યું ?” તો કહે આજ દસમો  દિવસ છે, દસ દિ પહેલાં પાયેલાને આજ બીજું પાણ શરુ કર્યું છે. હું તો વિમાસણમાં મુકાઇ ગયો કે આ કાકાએ પાણી એના કપાસમાં પાંચ દિ પહેલાં શરુ કરેલું અને મને કેમ પાંચ દિવસ મોડું શરૂ કરવાની સલાહ દીધી હશે ? આનું કારણ શું ?” આવા લોકોને સામૂહિક પ્રગતિ નથી ખપતી. બીજાને પછાડવામાં જ પોતાનો વિકાસ સમજતા હોય છે. પછી તો અમે એ કાકાનો સ્વભાવ જાણી ગયા એટલે એને પૂછીએ ખરા, પણ એ કહે એવું કરવાનું નહીં ! ખેતીમાં તો દરેકને પોતાની મહેનતનું રળવાનું છે, કોઇની આડેથી કંઇ પડાવી જવાની વાત જ નથી. ખેતી તો જેવી જેની મતિ-શક્તિ  એવી કમાણી એ કરે ! કોઇને નુકશાનીમાં ઉતારવાનું પાપ આપણાથી તો ન જ કરાયને !
          એક ખેડુતની વાડીએ હું જઇ ચડેલો. તેઓ બિયારણના રજકામાં લશ્કરી ઇયળના ઉપદ્રવ સામે દવા છાંટે. તે વરસે લશ્કરીનો બહુ ઉપાડો હતો. ભલભલાના રજકાના ઘેરા સાફ કરી નાખેલા ! આ ભાઇને કોઇ કારણસર - કાગનું બેસવું ને ડાળનું ભાંગવું દવાનુ પરિણામ સારું મળેલું. મેં પુછ્યું કઇ દવા છાંટો છો ?” તો ડબલું લાવીને બતાવ્યું. દવાના ડબલા પર          ડીમોક્રોન લખેલું. મને પડ્યો વહેમ ! કારણ કે છંટકાવ ચાલુ હતો અને એની વાસ ડીમેક્રોનની નહોતી ! એની ગંધ ઉપરથી મને ડી.ડી.વી.પી દવાની એ યાદ તાજી થઇ ગઇ [કારણ કે વર્ષો પહેલાં દિવેલાના અમારા બીજ-પ્લોટમાં  લશ્કરી ખૂબ લાગેલી અને અમે ડી.ડી.વી.પી.નો  કેન મોઢે ઉપયોગ કરેલો ] મેં કહ્યું સાચુ બોલ ભાઇ ! આ દવાના ડબલા પર નામ છે એ દવા આ નથી તો દાંત કાઢતાં કાઢતાં મને કહે તો કઇ છે, તમે જ કહોને ! મેં કહ્યું ગંધ પરથી દવાના નામની ખબર ન પડે પણ ડી.ડી.વી.પી. ટેકનીકલ અંદર હોય  એવી આ વાસ છે. તે સાંભળી મને કહે- હું તો તમારી પરીક્ષા કરતો હતો કે તમને કેવીક ખબર પડે છે એની. અંતે તો એણે કબુલ્યું પણ ખરું કે હા, તમારી વાત સાચી છે”. પણ આવું કરવાનું કારણ પૂછ્યું તો કહે નોખનોખી કેટલીય દવા છાંટી જોઇ, પણ આના જેવું સારું પરિણામ કોઇનું નથી મળ્યું.  બીજાને આની ખબર ન પડી જાય, માટે ચૂસિયાંને મારવા લાવેલ દવાના ખાલી ડબલામાં આ દવા ભરી દીધી છે. શું કહેવું આને ? મગના જથ્થામાં કોઇ કોઇ કઅડુ મગ- જે ગમે તેવા ઉકળતા પાણીમાં પણ ચડીને પોચા નથી થતા- એમ ખેડુતોમાં પણ કોઇ કોઇ કઅડુ ખેડુત હોય્ છે ખરા ! આપણે એવા ન થઇએ.
 [2] બીજાની શેહમાં આવી જઇ ખોટી સલાહ દેવી = ખાતર, બિયારણ, જંતુનાશક દવા કે હોય ફળઝાડના કલમ-રોપડા વેચનાર વ્યાપારી ! પોતાનો માલ ખેડુતોમાં ઘુસાડી દેવાની માસ્ટરી ધરાવતા હોય છે. કઇ વસ્તુથી કેટલો લાભ થશે, એ જોવા-ચકાસવાનું  કામ એનું નથી.એનું ધ્યેય તો કઇ ટ્રીક અજમાવી હોય, તો વધુ જથ્થામાં વસ્તુ વેચાય એવું હોય ! એ માટે એ ખેડુતને મળતાં પહેલાં જાણી લે છે કે જરા ખ્યાતિવાળો આગેવાન ખેડુત કોણ છે ? પહેલાં એને મળે અને નાખણી એવી કરે કે ન પૂછો વાત ! એની ખેતીના થોડા વખાણ કરી આગળ કરે. અરે ! જો મેળ પડતો હોય તો મામા,માસી,ફોઇ કે સસરા પક્ષના સંબંધી,  મિત્ર,પાડોશી કે હિતેચ્છુ બની જઇ,નજીકતાનો દાવો કરી, પોતાના વાહનમાં આગળ બેસાડી સાથે ફેરવે, અને વેચાણ બાબતે એને મોરિયાળ બનાવે, અને એ જે વસ્તુ વેચવા નીકળ્યા હોય, એ વસ્તુના આપણા જ મોઢે સૌ સાંભળે તેમ વખાણ કરાવી આપણા જ ઓળખીતા,સગા-સંબંધીકે મિત્રમંડળમાં એની વસ્તુ ખપાવવામાં આપણને નિમિત્ત બનાવે ! ખેડુતો તો એ અજાણ્યા વેપારી કરતાં આપણા અભિપ્રાયને વધુ ધડા રૂપ ગણી, એ વસ્તુ ખરીદવાનું જોખમ વહોરે, અને ક્યારેક ફસાઇ મરે, તો ગુનેગાર કોણ થયું કહો ! એ વેપારી કે એનું સાધન બની ગયેલા આપણે ?
 [3] કમીશનની મધલાળે વળગાડી ખોટા અભિપ્રાય અપાવે =આર.ટી.ઓ માં વાહનની નોંધણી કરાવવાની હોય,કે બેંકમાંથી લોન લેવી હોય, કોઇ વસ્તુનો સોદો કરવો હોય કે મકાન બાંધકામ માટે રેતી-પથ્થર કે ઈંટનો ફેરો  જોઇતો હોય-સીધેસીધું કામ પતતું જ નથી. વચ્ચે વચેટિયા તો જોઇએ જ ! ખેતીમાં પણ આ જ શિરસ્તો દાખલ થવા માંડ્યો છે. મજૂર તેડાવવાના હોય, ભાગિયા રાખવાના હોય કે ગાય વેચવાની હોય , અરે ! મગફળી-કપાસ જેવો માલ વેચવાનો કેમ ન હોય ! વચ્ચે દલાલ ન આવતો હોય, એવું  હવે બનતું જ નથી !
     હજુ હમણાનો જ  પ્રસંગ: હીરજીભાઇ ! કાલે તો તમને સમય નહોતો. આજ કેમ થશે ? અમારે માત્ર અર્ધો કલાક ખેડુતોના લાભાર્થે તમારો સમય લેવો છે.  હું હજુ હા-ના કરું તે પહેલાં તો શૂટેડ-બૂટેડ બે જુવાનિયા ખભે થેલા ટીંગાડેલા,ને બપોરના દોઢ વાગે દરવાજામાં દાખલ થઇ, હાથે ખુરશી ઢાળી મારી નજીક બેસી ગયા અને શરુ કરી દીધું અમે સાંભળ્યું છે કે આ વિસ્તારમાં ખેતીમાં અવનવા પ્રયોગો કરવામાં તમારું નામ છે. આસપાસના તો શું, દૂર દૂર સૌરાષ્ટ્રના જ નહીં ગુજરાતભરના ખેડુતો તમારી સાથેના ફોન, રેડિયો, કૃષિ મેગેઝિન અને છાપાનાં વાર્તાલાપ-લખાણ દ્વારા તમારી સલાહ અને માર્ગદર્શન મેળવી રહ્યા છે. એટલે લાંબી ગણતરીએ આપની પાસે આવ્યા છીએ, કે અમારી આ કંપનીએ તાજેતરમાં ખેડુતોને ખૂબ લાભ થાય તેવી આ પ્રોડક્ટ્સ લોંચ કરી છે. તમે જો બીડું ઝડપો તો તમને અને અમને બન્નેને લાભ જ લાભ સમજોને ! એવી ગોઠવણી અમે કરીને આવ્યા છીએ કે તમારે કોઇ ખર્ચ કરવાનો નથી, કે નથી કોઇ વસ્તુ ખરીદવાની.અમે એમ કહીશું કે હીરજીભાઇ આ પ્રોડક્ટ્સ વાપરે છે અને તમને એ લોકો ખરાઇ કરવા પૂછે, કે ફોન કરે ત્યારે એટલું કહેવાનું કે હા, હું વાપરું છું, અને એની અસર બહુ સારી થાય છે. આ વિસ્તારમાં વેચાણ થાય તે બધામાં તમારા કમિશનના ટકા તમને ઘેરબેઠાં મળી જશે,” જુવાનિયો એકીશ્વાસે બોલી ગયો. કહો ! મારા તો ભાગ્ય જ ખૂલી ગયાને મિત્રો ! પ્રોડક્ટસ સારી છે કે નબળી-કશી ખબર ન હોય અને મોટી મા બની વેપારીની ભેરે ચડવા માંડું અને મારા અભિપ્રાયે ખેડૂતોને ભરમાવામાં મદદગારી કરું ? આથી મોટું બીજું ક્યુ પાપ હોઇ શકે ?
 [4] પ્રસંશા કે પ્રસિધ્ધિના લોભમાં નાખીને = હમણાં હમણાંના વેપારીઓના પોતાની ચીજ-વસ્તુના પ્રચારના નવા નુસ્ખા પ્રમાણે ક્યારેક છાપામાં, કૃષિ-મેગેઝિનમાં કે રોડ-રસ્તે બોર્ડ-પાટિયાં લગાવી, ખેડુતના નામ-ફોટા સાથેનો દૂરુપયોગ શરૂ થયો છે. ઘડીભર તો એમ થાય કે કંઇ વાંધો નહીં ! આપણા તો સમાજમાં વખાણ થાય છે ને ?” પણ ના ! રખે એવું થવા  દેતા ! ચેતજો ! આ જાહેરાતમાં વાસ્તવિકતાથી વધુકા લાભનાં આંકડા દર્શાવી ,ખેડુતોને ખોટી વિગતો આપી ફસાવી પાડવાના ફાંહલામાં પકડાવી દેવાનું નીમિત્ત આપણે તો નથી બની રહ્યાને, જોજો !

         પંચવટી બાગ                                                           - હીરજી ભીંગરાડિયા                 
      માલપરા જિ. ભાવનગર                                                    [મો. 93275 72297]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો