રવિવાર, 22 એપ્રિલ, 2012

OLD IS OLD OR GOLD!!!


                     આપણા ખેડૂતોના વડવાઓ રાતદિવસ જોયા વિના લોહિપાણી એક કરી મહેનત કરવામાં પંડ્ય તોડી નાખતા હતા છતાં પહેરેલ કડિયાની બન્ને બાંય સાંધ્યા વિનાની તેમને પહેરવા મળતી નહીં. એનો અર્થ એવો નથી કે તેમનામાં ભાન ઓછી હોવાનું આ પરિણામ હતું. તે દિવસની ખેતી અને ખેડૂત પછાત હોવાનું કારણ તે વખતનું કૃષિવિજ્ઞાન પોતે સાવ અસોળ,ગરીબડું અને અવિકસિત હતું તે છે. છતાં એ ગરીબ વડવાઓ પોતાની તિવ્ર નિરીક્ષણ શક્તિ વડે સંકલિત કરેલો અનુભવ આપણને અમૂલ્ય વારસારૂપે આપી ગયા છે. તે વખતે ખેતી વ્યવસાયમાં પોતાની જે કાંઇ દુબળી-પાતળી આર્થિક સોય હતી તે આ અનુભવના બળે પોતાના કુટુંબની આછી-પાતળી જરૂરિયાતોની પૂર્તિ કરવામાં ખર્ચતા હતા. સંપૂર્ણપણે કુદરતી બળોને સમર્પિત તેમનું જીવન કુદરતની પર્યાવરણીય સ્મતૂલાના એક ભાગ રૂપે શુધ્ધતા જાળવતું હતું. જરૂરિયાતો બહુ ઓછી હતી, છતાં પુરુષાર્થ બહુ ગણતરી પૂર્વકનો રહેતો. પ્રભુ એટલેકે કુદરત પાસે એની માગણી રહેતી-    ગોરી, બે ત્રણ ગાવડી, નદી કાંઠે ગામ, મેઘ, મહેનત અને પોઠિયા-રાજી થઇ દે રામ ! આથી વધારે જોયતું જ નહોતું, અને એટલું માગ્યું મળી રહેતું હતું. જીવન સંતોષી હતું. મનથી એ બધા સુખી હતા.
હવા બદલાઇ છે = સમય બહુ ઝડપથી પસાર થઇ રહ્યો છે. વિજ્ઞાન એટલું આગળ વધી રહ્યું છે કે સવારમાં નવી લાગતી વાત કે તરકીબ સાંજ થાય ત્યાં જૂનીથઇ જાય છે અને કોઇ બીજી વાત કે પધ્ધતિ નવી તરીકે ઊભરી આવે છે.કહોને આજે કોમ્પ્યુટર યુગની બોલબાલા છે. કમાણીના અનેક ક્ષેત્રો ખોલી નંખાયાથી આખી દુનિયા ઊભડક શ્વાસે પૈસાની ખેંચાખેંચી અને લોંટાજોંટી કરી રહી છે. દયા,પ્રામાણિકતા અને વચનપાલનવાળી ખેતીની પહેલાની રીતોને જૂની કહી કાઢી નંખાઇ છે. ખેતીની પહેલાની અનુભવથી ઘડાયેલી પરિપાટીઓ અને રીતોનો છેદ ઉડાડી દેવાયો છે. આમ કહેવા પાછળનો મારો આશય સમય સાથે તાલ ન મેળવી શકે તેવી આઉટ ઓફ ડેટ-જૂની રીતોને વળગી રહેવાનો નથી, પણ નવા ના મોહમાં બહાવરા બની જવાય અને કંઇક સાચવી રાખવા જેવું છે, ખૂબ ઉપયોગી છે, તેને ય જૂનું છે ગણીને ઊંડી ખાઇમાં નાખી દેવું એ ડહાપણભર્યું તો નથી જ !
        અનેક ક્રિયાઓમાં વિસ્તરેલા આ વ્યવસાયમાં એવી ઘણી જૂની, રિવાજના રૂપે પળાતી પરિપાટીઓ,નુસ્ખાઓ અને પધ્ધતિઓ હતી, જેને વાગોળીએ-પચાવીએતો તેમાંથી મળનારાં સ્વાદ અને શક્તિ વિકટ પરિસ્થિતિઓમાં ટકવાની ક્ષમતા આપે છે. આજે ઊભા થયેલા પ્રશ્નો-પાણી બાબતના, રોગ-જીવાત બાબતના, જમીનને જીવતીરાખી, તેની ઉત્પાદકતા જળવાઇ રહે તેવા ખાતર બાબતના, કુટુંબની જરૂરિયાતને લક્ષમાં રાખી પાકની પસંદગી બાબતના થોકબંધ પ્રશ્નોના ઉકેલ વગેરે કહેવાતી જૂની-પુરાણી પધ્ધતિમાં મેળવી શકીએ તેમ છીએ.આજે લગભગ છોડી દીધેલી એ જૂનીરીતો ને જરા તપાસીએ
ધંધાની ચીવટના મુદ્દે = કહેવત સાચી હતી કે વેપારી પેઢીએ અને ખેડૂત શેઢીએ ખેડૂત ખેતરકે વાડીએ આંટો મારેત્યાં મોલાતને ખાતર ભર્યા જેટલો ગણ થાય ! અને તમે જૂઓ ! પહેલાના ખેડૂતો પોતાનો મોટા ભાગનો સમય વાડી-ખેતરોમાંજ ગાળતા.પોતે જાતે બધા જ કામો કરતા.ધંધા સાથેની આત્મિયતા અને દિલનો લગાવ જ એટલા રહેતા કે ખેડૂતને સ્વપ્નું આવતું તે પણ વાડી અને એની મોલાતનું જ આવતું. પણ અત્યારે? અત્યારેતો સાજી કેડ થોભે અને માંદી વાસીદું વાળે જેવો ઘાટ થાય છે. થોડીઘણી અક્કલ હોય તે બીજા ધંધા કરે અને ક્યાંયે ન હાલે એવા ખેતીકરે ! તો પછી તમે જ કહો, એની ખેતીમાં કેવીક ભલીવાર હોય ?
      અમાસ-અગિયારશના જડબેસલાક અગતા રખતા એનો પૂરો અર્થ જાણ્યો છે ? અગતો એટલે રજા. તે દિવસે બળદો પાસેથી કામ ન લેવાય.પણ તેની વિશેષ કાળજી લેવાય. પાણીથી ધમારવાના એટલેકે નવડાવવાના, શીંગડે તેલ ચોપડવાનું, હાથિયો કરવાનો, પગે-પેટે-આઉમાંથી ઇતરડીઓ વીણી લેવાની,બગાઇ પકડી લેવાની.પૂરો થાક ખવરાવી તાજા-માજા બનાવવાના. તે દિવસે મોઢે મીઠું ઘસાય, જરૂર હોય તો ઘી-તેલની નાળ્ય પવાય અને તેનો વિશેષ દિવસ ગણી ખાસ પ્રકારનું ખાણ પણ દેવાય.
ધંધાની એકાગ્રતાના મુદ્દે = ધરતી એજ આપણો આરાધ્યદેવ છે. તેની સેવા એ જ પૂજા-અર્ચના છે. વાવેલા પાકોની લાણી-વીણી પૂરી થયે મકરસક્રાંતિના દિવસે જમીનને ખેડવાનું મુહૂર્ત કરાતું હતું. વરસાદ થયે વાવણિયો જોડતી વખતે દંતાળ,ડાંડવા,બળદ અને ખેડૂતને કંકુ-ચોખાથી ચાંદલા કરાય, બળદોને ગોળના દડબાં અપાય અને એક દડબું હાથમાં લઇ, ઘરની બહાર નીકળતી વખતે જે સામું મળે તેને શુકનવંતું ગણી ગળ્યું મોં કરાવાય.મગ-જુવારની પહેલી મૂઠી ભરી વાવેતરની શરૂઆત કરાય. આ વિધિઓ એ અંધશ્રધ્ધા નથી. ખેતીના શ્રમયજ્ઞમાં સહયોગ દેનારાં બધાં દેવતૂલ્ય છે. અન્નદાતાની ભક્તિ ન ભૂલાવી જોઇએ. જેમ બીજા ધંધાર્થીઓ ધનતેરસના દિવસે ચોપડા પૂજન કરે છે તેમ આ આપણો પૂજાનો અવસર છે.
કાળ-દુકાળની ચિંતા = ખેડૂતને કોઠીએ જુવાર અને વખારમાં નીરણ બે વસ્તુ ઘરની હોય પછી બીજી જરૂરિયાતો ગૌણ ગણાતી. સારું વરસ પાક્યું હોય અને નીરણ ખૂબ થઇ હોય તો તેને ભરવાના ગોડાઉન નહોતા પણ વાળિયાઓઘા કે ગંજી બનાવી લેતા.અરે ! બે ઘર [રૂમ] હોય તો એકમાં નીરણ ભરી દેવાતી. આવતું વરસ કોને ખબર કેવું થશે ? આપણને જરૂર પડશે તો ઠીક, નહીંતો સગા-સંબંધીને કામ લાગશે. નવો દાણો થાય નહીં ત્યાં સુધી અનાજ નહોતા વેચતા. અને નીરણતો વેચવાની વસ્તુ જ નહોતી ગણાતી. અને આજે ? ખેડૂતો પોતાના ઢોરાં પૂરતીય નીરણ નથી ઉગાડતા. ભર ચોમાસે વેચાતી લેવા નીકળવામાં ભોંઠપેય નથી આવતી આજના ખેડૂતને !
ખેડૂતની જરૂરી આવડતના મુદ્દે = ખેડૂત હોય અને ગાડા-નારણ કે સાંતી નાડતાંન આવડતું હોય એવું તો બને જ નહીંને ! ઉલાળ-ધરાળ કે આડુંખેંચવું કે નોખું તાણવું શાનાથી મટે એવા કીમિયાથી તે અજાણ હોય ? કોસ હાંકતા હોય અને વરત કે વરતડી તૂટે તો તેને સાંધાની સાંકળી પાડતા ન આવડે તે કંઇ ખેડૂત કહેવાય ? ખેડૂત હોય અને કૂવામાં ઉતરતા કે વાવણી કરતા નઆવડે કે બળદના મોરડા, છીંકલાં અને જોતર ગુંથવાનું ન ફાવે કે સુંડલા બાંધવાનું કે ખાટલા ભરવાનું ન ફાવે તો તો ધંધાને લજવ્યો જ કહેવાય ને ? અરે, સાજે-માંદે સારવાર આપવા ઢોરાંને બેસારી કે સુવરાવી દેવાં, નાળથી દવા કે તેલ પીવડાવતા ન આવડે તો એ ખેડૂત એટલો મોળો ગણાતો !
        નિશાળમાંથી જેમ આંકના ઘડિયા મોઢે કરવાના ગયા અને ગુણાકાર-ભાગાકાર બધું કેલ્ક્યુલેટર કરવા માંડ્યા અને બાળકોની ગણનશક્તિ સમાપ્ત થઇ, તેમ આજની ખેતી ભલે વિકસિત ગણાતી હશે, પણ ખેડૂતે પોતાની કુશળતા ખોઇ છે. આ બધું નવરાશની પળોમાં વિચારવા જેવું નથી ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો