રવિવાર, 22 એપ્રિલ, 2012

ખોટ ખાઈને પણ ખોટી થવું - લાંબાગાળે નફાકારક


તમે જોજો ! ખેડૂત માત્રનો આરાધ્યદેવ બાબરોભૂત હોય તેમ ખેડૂત કદિ સાવ નિરાંતવો તમને નહીં ભળાય. તે કોઇના લગ્ન પ્રસંગમાં હાજરી આપતો હોય કે ઓફીસલી અગત્યના કામે કોઇ કચેરીમાં ગયો હોય કે ભલેને ભાઇ-ભાંડું કે સગા-વહાલાની વચ્ચે કૌટુંબિક વ્યવહારમાં વળગેલ હોય, એના વાણી-વરતનમાં આ કામ કેમ જલ્દી પુરૂં થાય અને ક્યારે હું  ઘર-વાડી ભેળો થાઉં એવી ઉતાવળ જ દેખાયા કરતી હોય છે  
        એના આ ઉદ્વેગી જીવનનું કારણ બીજું કશું નહીં એનો ખેતીનો ધંધો જ કારણભૂત છે. અને એ સ્વાભાવિક પણ છે ભાઇ ! ખેતી તો વ્યવસાય જ એવો છે કે જેમાં ભગવાને દિવસ ઘડ્યો છે 24 કલાકનો  પણ આ ધંધામાં કામ મુક્યું છે 30 કલાકનું ! એય પાછું નિરાંતનું નહીં હો ! લોહી-પાણી એક કરી દે તેવું કઠ્ઠણ મહેનતનું ! ચોમાસું હોય કે ઉનાળો, કે હોય હાડ થીજાવી દે તેવી ઠંડીવાળો શિયાળો ! ન ઋતુ જોવાની કે ન જોવાના રાત કે દિવસ. ઊઠતા-બેસતા, સુતા-જાગતા-બસ કામનું જ રટણ, અને કામના જ સળકા ઊઠતા રહે છે એના શરીર અને મનમાં
        અને એનું સીધું પરિણામ એ આવે છે કે ખેડૂતનું શરીર તો થાકીને લોથ થઇ જાય છે પણ સાથોસાથ મન પણ કામ સંતોષકારક રીતે ન નિપટાયું હોય તો  હતાશાભર્યો થાક અનુભવે છે. શરીરનો થાક તો રાતભરની ગાઢ નિંદ્રા ઉતારી દઇ ફરી સ્ફુર્તિ અને તાજગી આપી દે છે પણ થાકેલા મનને તાજગી આપવાનું કામ એકલો શારિરીક આરામ નથી આપી શકતો. તમે જોજો ! મનથી થાકી ગયેલો કે હતાશ થયેલો ખેડૂત ખેતીમાં કશુએ નવું કરવાના,આગળ વિચારવાના, વધુ સમજવાના અને એ રીતે ધંધાને વધુ સુધારવાના પ્રયત્નો જ છોડી દેતો ભળાશે.  
        ધંધામાં કામે ક્યાંય નહીં પહોંચવાના કારણે જીવ તો એવો અધીરિયો થઇ ગયો હોય છે કે કામ સિવાયની કોઇ પણ વાત એના મગજમાં ઉતરતી જ નથી. અને આ જલ્દી જલ્દી કામ કરી વાળવા ની લ્હાયમાંને લ્હાયમાં કેટલીક અનિવાર્ય અને વિજ્ઞાને શોધી આપેલ ધંધાકીય વિકાસની પ્રવૃતિઓ તરફ લક્ષ આપી શકાતું નથી. પરિણામે ધંધામાં બરકત તો દૂર રહી નુકશાનીની ટકાવારી વધતી ચાલે છે.
 ખાળે ડૂચા અને દરવાજા મોકળા ! = મારી નજરમાં આવ્યું છે કે ખેડૂતના ઘેર કપાસનો તોલ ચાલુ હોય ત્યારે તોલાટના વજનિયાં બરાબર છે કે નહીં ? ધારણની ગણતરીમાં ક્યાંય ગરબડ તો નથી કરાતીને ? તેની ચોક્કસાઇ સાથે પોતે પણ કાગળ-પેન લઇ ધારણની નોંધ કરવાને બદલે રૂમમાં કે ગોડાઉનમાં દિવાલે ચોટી ગયેલા કપાસના પૂમડાં ખંખેરવા કે નીચે વેરાએલા કપાસને ભેળો કરવા રોકાઇ રહી મજૂરી બચાવ્યાનો સંતોષ લેતા હોય છે.
         વેપારી કે તોલાટ બધા કંઇ માથે પ્રભુ રાખી  ન્યાયી તોલ કરનારા નથી હોતા. આપણે જ્યારે સામે ચાલીને કર તું-તારે ખોટું એવો મોકો સામેથી પૂરો પાડી આપીએ, પછી તે બે ધારણ ઓછી ગણે કે પાંચ ગાંહડીમાં વધારે નમતું જોખી લે તો એવી અનુકૂળતાઆપણે જ કરી આપી ગણાય. છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ ગણાય   એમ એકતો માલ આપણો વધારે જાય અને છેતરાઇ જનાર તરીકે સામાવાળો આપણને મૂરખ ગણી લે તે વધારામાં.
  બસ ! ખેડૂતની તાસીર જ આ ! = આપણામાં કહેવત છે વેપારીનો દીકરો ખોટી થવું પડે એટલું થાય પણ ખોટ જરીકેય ખાય નહીં ,” જ્યારે ખેડૂત ? ખેડૂત ખોટ ગમે તેટલી ખાય પણ ખોટી ઘડીકેય થાય નહીં ! આમ જૂઓ તો કહેવત જરીકેય ખોટી નથી હો ! માલ લઇને માર્કેટયાર્ડમાં ગયા હોઇએ અને એની હરરાજી વખતે એક વાર, બે વાર, અને ત્રણ વાર થયું ન થયું, ને આપણે જે આવ્યું તે ભાગ્યમાં લખ્યું માની , ચલાખા ખેંચતાંકને થઇ જઇએ હાલતા ! ફળ કે શાકભાજી હોય તો કંઇકે બરાબર, પણ અનાજ, કઠોળ કે જીરુ-વરિયાળી જેવા વેચવામાં મહિનો-માસ વહેલા-મોડું થયે બગડે નહીં તેવા માલને થોડો સમય જરૂર જણાય તો રોકી રાખીએ. પણ જે મળ્યું તે લઇ કોથળાનો વિંટલો ખંભે મારતાંકને થઇ જઇએ ઘરભેગા ! અલ્યા ! ઘરને ખેતર આટલી વારમાં કોઇ ઉપાડી નથી જવાનું ! માલ તૈયાર કરવામાં 4-6 મહિના ઘરના સભ્યોને અને પોતાની જાતને હોમી- એના વેચાણમાં મળનારા વળતરની કંઇક તો ગણતરી રાખીએ !  
સભા સેમીનાર કે કૃષિ-પ્રવાસ માર્યા ફરે ! = ખેતી અંગેની નવી જાણકારી અર્થે કોઇ વાડી, ગૌશાળા,બગીચા કે ખેતી વિદ્યાપીઠ્ની મુલાકાતનો પ્રેરણા-પ્રવાસ ગોઠવાયો હોય કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી ચર્ચા-સભા કે ભલેને હોય મોટો આંતરરાષ્ટ્રિય સેમીનાર ! ખેડૂતને એમાં હાજરી અપાવવી આયોજકો માટે લોઢાના ચણા !                                     ખરી વાત આ છે=  અત્યારના આધુનિક સમયમાં કૃષિ વિષયક જ્ઞાનવર્ધક અને શરીર- મનને થાકથી બચાવનારા, નવી નવી માહિતીઓ  પિરસનારા અને ખેતીના સાંપ્રત પ્રશ્નોનાં માર્ગદર્શક બની રહેનારા લેખો,પત્રિકાઓ, વાર્તાલાપોનો પાર નથી. પણ આપણે એને ઢુંકડા આવવા દઇએ ત્યારે ને ? અને રેડિયોમાં પણ સવાર-સાંજ રાજકોટ તથા અમદાવાદ-વડોદરાથી ખેતી વિષયક વિવિધ પાસાઓની ચર્ચાઓ પ્રસારિત થતી હોય છે. એવું જ ટીવીમાંના બીજા કાર્યક્રમો  જતા કરીને આપણો સમય બચાવીએ પણ દુરદર્શન અને ઇ-ટીવી જેવાના ખેતી વિષયક કાર્યક્રમો  રજુ થતા હોય છે એ જોવાનો સમય જરૂર કાઢીએ. હા, આપણે છાપાં વાંચીએ. પણ નહીં વાંચવા જેવુંતો તેમાં 70 ટકા હોય છે. બાકીના 30 ટકામાં કોઇ કૃષિના અનુભવી લેખકની  કોઇ કોલમ આવતી હોય, સમાજ ઘડતરના કોઇ વિચારણીય લેખો કે પ્રસંગો છપાતા હોય, જીવનઉપયોગી મનપસંદ લખાણની કોઇ શ્રેણી ચાલુ હોય તે જરૂર વાચી લઇએ. પાન,માવા, તમાકુ કે બીડી બાકસ પાછળ ન ગણી શકાય તેટલો ખર્ચ મોટાભાગના ખેડૂતો કરતા જ હોઇએ છીએને ! તો પછી બે-ચાર કૃષિના સામયિકનું લવાજમ ભરી દીધું હોય કે દસ-વીસ ખેતીવાડીની પુસ્તિકાઓ ખરીદી રાખી હોય તો તેના ઉપયોગ દ્વારા કેટલીય વિગતો વાંચવાથી ધંધામાં માર્ગદર્શન મળી રહેતું હોય છે. 
  અને અંતે = સો વાતની એક વાત કે જે બાબતો  આપણને મહત્વની લાગતી હોય તેને માટે તો આપણે સમય કાઢી જ લઇએ છીએ કે નહીં ? હા, વાત મહત્વની લાગવી જોઇએ. સાચુ કહેજો ! આપણે સંબંધીઓ,ઓળખીતા કે મિત્રો-સગાના વીવા-વાજમના પ્રસંગોમાં કેટલી વાર દિવસોના દિવસો  વિતાવી દઇએ છીએ ? હનુમાનદાદાનો લોટ અને ખોડિયારમાની લાપસી ખાવા ક્યાંના ક્યાં જઇએ છીએ ? એ સમય કાઢવામાં આપણને અગવડ નથી પડતી કારણ કે તેનું આપણા મનમાં એક મહત્વ છે. ભલે તેમાંએ જઇએ,પણ તે જ રીતે કૃષિ વિષયક જ્ઞાન-વર્ધક કાર્યક્રમોનું મહત્વ સમજીએ તો આપણા વ્યવસાય માટે અતિ ઉપયોગી ટેકનીકો આપણે અપનાવતા થઇશું, અને એનો સમય ? સમય તો આપણને શોધતો આવશે. આપણે એને માટે વખત કાઢતાં થઇ જઇએ એટલે પછી જૂઓ ! ધંધામાં બરકત સાથે એક અનેરો આનંદ પણ ભળશે અને તન-મનને થાકથી દૂર રાખશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો